ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ : દેશ આઝાદ થયા પછી સૌ પ્રથમવાર ગામમાં આવી બસ..!! વર્ષો જૂનું સપનું થયું સાકાર — ગ્રામજનોમાં ખુશીનો માહોલ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ : દેશ આઝાદ થયા પછી સૌ પ્રથમવાર ગામમાં આવી બસ, વર્ષો જૂનું સપનું થયું સાકાર — ગ્રામજનોમાં ખુશીનો માહોલ

મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. વર્ષો સુધી મૂળભૂત પરિવહન સુવિધાથી વંચિત રહેલા વાંટા ગામમાં દેશ આઝાદ થયા બાદ પ્રથમવાર બસ સેવા શરૂ થતા ગામમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.કહેવાય છે કે જ્યાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાં વિકાસની ગતિ ધીમી રહે છે, પરંતુ લાંબા સમય પછી જ્યારે આવશ્યક સેવા ગામ સુધી પહોંચે ત્યારે તેની ખુશી અનોખી હોય છે. વાંટા ગામના લોકો માટે બસ સેવા શરૂ થવી એવી જ એક મહત્વપૂર્ણ ઘટના બની છે.

ગામના સરપંચ તથા જાગૃત નાગરિકો દ્વારા મોડાસા ડેપો ખાતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. અગાઉ મોડાસાથી પાણીબાર સુધી બસ સેવા ચાલતી હતી, જેના કારણે વાંટા ગામના લોકોને મોડાસા જવા માટે પાણીબાર અથવા નવી ઇસરી આશ્રમ સુધી જવું પડતું હતું. આ સમસ્યાને ધ્યાનમાં લઇ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોના પ્રયાસો બાદ અંતે બસ સેવા પાણીબારથી આગળ વધારી વાંટા ગામ સુધી લંબાવવામાં આવી છે.નવી શરૂ થયેલી બસ સેવા અંતોલી, પાણીબાર, ખાંટવાસ ફળી, ફેરા પાંડોર ડુંગળી ફળી, વાંટા પ્રાથમિક શાળા, બામણા પાંડોર ડામોર ફળી, નારણપુર પાણીબાર સહિતના વિસ્તારોને આવરી લે છે, જેના કારણે આસપાસના ગામોને પણ મોટો લાભ મળશે.બસ સેવા શરૂ થતા ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. ગ્રામજનો દ્વારા બસનું કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આઝાદીના દાયકાઓ પછી ગામમાં બસ સેવા શરૂ થતા લોકોમાં આનંદ સાથે અચરજ પણ જોવા મળ્યું હતું.વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થતા હવે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર માટે મુસાફરી સરળ બનશે તેવી આશા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!