GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું 

તા.૪/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

મહાકુંભમાં જવા રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસને ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા મેયર નયનાબેન પેઢડીયા તેમજ ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા

મહાનુભાવોએ મુસાફરોને પુષ્પગુચ્છ આપીને યાત્રા આરામદાયક અને સફળ રહે તેવી શુભેચ્છા પાઠવી

Rajkot: શ્રદ્ધાળુઓને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં જવાની સુવિધા આપવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા નવીન વોલ્વો બસ સેવા શરૂ કરવા આવી છે. જે અન્વયે તા. ૪ ફેબ્રુઆરીના રોજ રાજકોટ મેયર શ્રી નયનાબેન પેઢડીયા તેમજ ધારાસભ્ય સર્વે શ્રી ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા દ્વારા રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેયર શ્રી નયનાબેન પેઢડીયા તેમજ ધારાસભ્યો શ્રી ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. મેયરશ્રી તથા ધારાસભ્યોશ્રીએ બસમાં મુસાફરોને પુષ્પગુચ્છ આપી અને મોઢું મીઠું કરાવીને યાત્રા આરામદાયક અને સફળ રહે, તેવી શુભેચ્છા પાઠવી હતી. આ તકે રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામકશ્રી જે. બી. કલોતરા અને વહીવટી અધિકારીશ્રી ધવલભાઈ વાઘેલા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

રાજકોટ-પ્રયાગરાજ-રાજકોટ બસની સેવાઓ

રાજકોટ-પ્રયાગરાજ-રાજકોટની મુસાફરી માટે કુલ ૬ બસ ફાળવવામાં આવી છે. રાજકોટથી દરરોજ એક બસ સવારે ૫ કલાકે ઉપડશે અને બીજે દિવસે સાંજે ૭ કલાકે પ્રયાગરાજ ખાતે પહોંચશે. એ પછીના દિવસે બપોરે ૧ કલાકે બસ પ્રયાગરાજથી નીકળશે અને બીજે દિવસે રાત્રે ૨ કલાકે બસ રાજકોટ પહોંચશે. પેકેજ બસના મુસાફરો માટે પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા બારણ (મધ્યપ્રદેશ બોર્ડર) મુકામે કરવામાં આવી છે. યાત્રિકોએ પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા પોતાની રીતે કરવાની રહેશે. બસનું વ્યક્તિદીઠ પેકેજ ભાડું રૂ. ૮,૮૦૦ છે. આ બસનું ઓનલાઈન બુકિંગ એસ.ટી. નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી કરી શકાશે.

Back to top button
error: Content is protected !!