ARAVALLIGUJARATMODASA

મતદાર યાદીમાં ખુલ્લી છેડછાડ સામે અરવલ્લી કોંગ્રેસનું આક્રમક પગલું – કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મતદાર યાદીમાં ખુલ્લી છેડછાડ સામે અરવલ્લી કોંગ્રેસનું આક્રમક પગલું – કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા–૨૦૨૬ના નામે ચાલતી ખુલ્લી ગેરરીતિ અને લોકશાહી પર થતા હુમલા સામે કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું છે કે છેલ્લી ઘડીએ તા. ૧૬ થી ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન હજારોની સંખ્યામાં ફોર્મ નં. ૭ જમા કરાવી ચોક્કસ વિસ્તારો અને ચોક્કસ વર્ગના સાચા મતદારોના નામ યાદીમાંથી કમી કરવાની સુનિયોજિત સાજિશ ચાલી રહી છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ અને નોંધણી નિયમો, ૧૯૬૦ની સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં રાજકીય દબાણ હેઠળ આ ફોર્મો જથ્થાબંધ સ્વીકારવામાં આવ્યા હોવાના ગંભીર સંકેતો મળી રહ્યા છે.અરવલ્લી કોંગ્રેસે જણાવ્યું છે કે આ મતદાર યાદીમાં છેડછાડ એટલે લોકશાહીની હત્યા છે અને કોંગ્રેસ આ અન્યાયને કોઈપણ કિંમતે સહન કરશે નહીં.

આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે છેલ્લાં દિવસોમાં સ્વીકારાયેલા તમામ ફોર્મ નં. ૭ની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, સંબંધિત કચેરીઓના CCTV ફૂટેજ ચકાસવામાં આવે, જવાબદાર અધિકારીઓ તથા દોષિત લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને તમામ ગેરકાયદેસર વાંધાઓ રદ કરી સાચા મતદારોના નામ યથાવત રાખવામાં આવે.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી છે કે જો વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પગલા નહીં લેવામાં આવે તો કોંગ્રેસ ગાંધીચિંધ્યા માર્ગે રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને નામદાર કોર્ટના દ્વાર ખખડાવશે. ગુજરાતના મતદારોના મતાધિકારની રક્ષા માટે કોંગ્રેસ અંતિમ શ્વાસ સુધી લડત આપશે.આ પ્રસંગે પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર,રાહુલભાઈ, સલીમભાઈ, ખાલકભાઈ, જગતસિંહ ઠાકોર, આશુતોષ રાઠોડ, કાદર અલી સૈયદ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!