Rajkot: જસદણ – વિંછીયા પંથકની રાહત બચાવની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
તા.૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ભારે વરસાદના લીધે થયેલા નુકસાન સંદર્ભે સમારકામની કામગીરીને અગ્રતા આપવા મંત્રીશ્રીની સૂચના
Rajkot: ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ નગરપાલિકા અને તાલુકા તેમજ જસદણ અને વિંછીયા તાલુકાના વીજ પુરવઠાની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્માબેન રાઠવાની ઉપસ્થિતિમાં સંબંધિત અધિકારીઓને વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા આવશ્યક સૂચના આપી હતી.
આ બેઠકમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ભારે વરસાદના લીધે થયેલા નુકસાનના સંદર્ભે સમારકામની કામગીરીને અગ્રતા આપવા જણાવ્યું હતું. રોગચાળો ન ફેલાય, તે માટે દવાનો છંટકાવ અને પાણીમાં ક્લોરીનેશનની કામગીરી કરવા સૂચના આપી હતી. ખાસ કરીને વૃદ્ધ, નિરાધાર, દિવ્યાંગ, અશક્ત હોય એવા છેવાડાના વિસ્તારના જરૂરિયાતમંદ નાગરિકોની અરજીઓ કે પ્રશ્નો બાબતે ત્વરિત પગલાં લઈ નિયત સમયમર્યાદામાં ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. તેમજ આ તકે મંત્રીશ્રીએ પૂર્ણ, પ્રગતિ હેઠળ અને નવા વિકાસ કામો અંગે જરૂરી આદેશો આપ્યાં હતાં.
વધુમાં, જસદણ અને વીંછિયા તાલુકાના વિવિધ ગામોમાં ભારે વરસાદના કારણે નમી ગયેલા વીજ પોલના સર્વે કરવા અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જ્યોતિગ્રામ યોજના અન્વયે વીજ જોડાણો આપવા અને ખેડતોની ફીડર અને લો વોલ્ટેજની ફરિયાદનું નિવારણ કરવા તેમજ વિવિધ વિસ્તારોમાં જોખમરૂપ વીજલાઇન સંદર્ભે તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરવા પી.જી.વી.સી.એલ. અને જેટકોના અધિકારીશ્રીઓને મંત્રીશ્રીએ સૂચનાઓ આપી હતી.
ઉપરાંત, જસદણ નગરપાલિકા વિસ્તારના રોડ, ભૂગર્ભ ગટર, બ્રીજ, પૂલ, વીજળી, પાણીની પાઇપલાઇન તથા સ્વરછતા-સફાઈની કામગીરી અંગે મંત્રીશ્રીએ સૂચના આપી હતી. તાલુકાઓને ચોખ્ખાંચણાક બનાવવા ગામેગામ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવાનું સૂચનો આપ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ડમ્પિંગ સાઈટ, ડામર રોડ અને સી.સી. રોડની કામગીરી, વિવિધ વિસ્તારોમાં થતાં દબાણોને દૂર કરવા, લોકોને ગામતળના પ્લોટની ફાળવણી, સ્મશાન ખાતે પેવરબ્લોકની કામગીરી તેમજ તાલુકામાં રિવરફ્રન્ટ, જિલેશ્વર પાર્ક સહિતના નવા કામો અંગે જાણકારી મેળવીને મંત્રીશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જસદણ મામલતદારશ્રી એમ. ડી. દવે, તાલુકા વિકાસ અધિકારીશ્રી વી. બી. માંડલીયા, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. રાજા ખાંભલા, આટકોટ પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી એન્જિનિયરશ્રી ડી.ડી.પરમાર, જસદણના પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી એન્જિનિયરશ્રી બી. જે. આહીર, જેટકોના જુનિયર એન્જીનીયરશ્રી જે. એન. અકબરી, આઈ.સી.ડી.એસ. સુપરવાઈઝરશ્રી આર. એન. મહેતા સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.