અમદાવાદ જિલ્લાના અરણેજ ખાતે કૃષિ વૈજ્ઞાનિક સંવાદ : ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવાની અપીલ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ વૈજ્ઞાનિક સંવાદ કાર્યક્રમનું આયોજન થયું. આ સંવાદમાં જિલ્લામાંથી 150થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી વિષયક નવીન માહિતી મેળવી હતી.
કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર કે. કે. પટેલે ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે આધુનિક ખેતીમાં જંતુનાશક અને રસાયણોના વધતા ઉપયોગથી જમીનની ઉર્વરતા ઘટી રહી છે તેમજ આરોગ્ય પર પણ તેની નકારાત્મક અસર પડી રહી છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ એ એક ઉત્તમ વિકલ્પ છે, જે જમીનની તંદુરસ્તી જાળવી રાખે છે અને ઉત્પાદનને વધુ ગુણવત્તાવાળું બનાવે છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવાની અપીલ કરી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. બી. એચ. પંચાલે કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. સાથે જ ડૉ. રંગપરા અને ડૉ. નીતિન પટેલે પ્રાકૃતિક ખેતીના પ્રયોગો, તેના ફાયદા અને ખેડૂતોને મળતા નફાની વિગતો રજૂ કરી હતી. આ સાથે, ખેડૂતોને કેન્દ્ર ખાતે વિકસિત કરાયેલા પ્રાકૃતિક ખુશી ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં જીવામૃત, ઘનજીવામૃત, દશપર્ણી અર્ક જેવા જૈવિક દ્રાવણો તૈયાર કરવાની પદ્ધતિઓ તથા કીટક નિયંત્રણની કુદરતી રીતો પ્રત્યક્ષ દર્શાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કેન્દ્રના નિષ્ણાતોએ જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ માત્ર ખર્ચ ઘટાડે છે એટલું જ નહીં, પણ સ્વસ્થ ઉત્પાદન પૂરી પાડીને ગ્રાહકોમાં પણ વિશ્વાસ વધારતી પદ્ધતિ છે.
આ સંવાદમાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા. ખેડૂતોએ પણ પોતાના અનુભવ વહેંચ્યા અને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી થયેલા લાભોની ચર્ચા કરી.
આ કાર્યક્રમથી ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો ઉત્સાહ વધ્યો હોવાનું જણાય છે, અને જિલ્લામાં આગામી સમયમાં વધુ ખેડૂતો આ દિશામાં આગળ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.







