AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદનાં કારણે પાકને વ્યાપક નુકસાન છતા ખેતીવાડી અને બાગાયત અધિકારી તો જાણે નિંદ્રાધીન..!

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતો પાયમલ બન્યા છે તેમ છતાંય સંબધિત વિભાગોને કોઈ પણ સર્વે કે સહાયમાં રસ નથી..

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ડાંગર સહિતનાં પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યુ છે.ત્યારે ડાંગ જિલ્લા ખેતીવાડી અને બાગાયત અધિકારીઓ ઘોર નિદ્રામાં હોય તેવુ જણાઈ રહ્યુ છે.વલસાડ ડાંગનાં સાંસદ અને ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત છતાં અધિકારીઓ જાણે નિષ્ક્રિય  હોય તેવું પ્રથમ દૃષ્ટિએ જોવા મળી રહ્યું છે.ડાંગ જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે આભ ફાટ્યુ છે. ડાંગરના પાક સહિત અન્ય પાકોને જંગી નુકસાન થવાથી ખાનાખરાબી સર્જાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જોકે,આ ગંભીર પરિસ્થિતિમાં પણ ડાંગ જિલ્લાનાં ખેતીવાડી અધિકારી અને બાગાયત અધિકારીની ટીમની ઘોર નિંદ્રા ચર્ચાનું કેન્દ્ર બની છે.ખેતીનાં પાકોને વ્યાપક નુકસાન થયું હોવા છતાં, આ બન્ને વિભાગના અધિકારીઓ માત્ર ને માત્ર ઓફિસમાં જ બેસી રહે છે તેવું  જણાઈ રહ્યું છે.ડાંગ જિલ્લાનાં ખેડૂતોનાં હિતમાં રાજય સરકાર દ્વારા વર્ષ દહાડે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવે છે.ત્યારે કરોડોની ગ્રાંટ ક્યાં જાય છે તે પણ ખબર પડતી નથી.ડાંગનાં ખેડૂતોના હિત માટે કાર્ય કરવાને બદલે, આ અધિકારીઓ તેમની ચેમ્બર છોડીને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ તપાસ કરશે કે કેમ, તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. ડાંગ જિલ્લાનાં ખેડૂતો મુશ્કેલીમાં હોવા છતાં, અધિકારીઓનું આ પ્રકારનું નિષ્ક્રિય વલણ ખેડૂતોમાં રોષ પેદા કરી રહ્યું છે.ડાંગ જિલ્લામાં ખેતીના પાકોને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને ધારાસભ્ય  વિજયભાઈ પટેલએ તાત્કાલિક અસરથી ડાંગના ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.જોકે, જનપ્રતિનિધિઓની આટલી ગંભીર રજૂઆત છતા, ડાંગ જિલ્લાના ખેતીવાડી અધિકારી અને બાગાયત અધિકારી દ્વારા હજુ સુધી પણ એકપણ અસરગ્રસ્ત ખેડૂતની કે ક્ષતિગ્રસ્ત ખેતરની સ્થળ મુલાકાત લેવામાં આવી નથી, જે અત્યંત આશ્ચર્યજનક અને નિંદનીય બાબત છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ બન્ને વિભાગના અધિકારીઓ માત્ર પ્રાકૃતિક ખેતીની તાલીમ,સેમિનાર અને કાર્યક્રમો યોજીને ત્યારબાદ મોટા પાયે ખોટા બિલો મૂકીને કમાણી કરવામાં જ વધુ રસ ધરાવતા હોવાનું દેખાઈ રહ્યું છે.ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે તાત્કાલિક સર્વે કરીને વળતર અપાવવાની કામગીરી છોડીને, અધિકારીઓ માત્ર કાગળ પરની કામગીરીમાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે.ડાંગના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ બન્ને વિભાગના અધિકારીઓ તેમની નિદ્રા ત્યજીને ખેતરોની મુલાકાત લે, નુકસાનીનો પારદર્શક સર્વે કરે અને ખેડૂતોને ઝડપથી આર્થિક સહાય મળે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરે. ત્યારે આગામી દિવસોમાં આ જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.પરંતુ અધિકારીઓ કુંભકર્ણ ની નિંદ્રામાંથી ક્યારે જાગશે તે તો આવનાર સમયમાં જોવુ રહ્યું.

Back to top button
error: Content is protected !!