
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સમગ્ર દેશમાં તહેવારોની રાણી ગણાતી દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે,ત્યારે હાલમાં ડાંગ જિલ્લામાં ખરીદીનો માહોલ જામ્યો છે.ખાસ કરીને સાપુતારા નજીક આવેલા શામગહાન ખાતેનાં રવિવારનાં હાટ બજારમાં દિવાળીની ખરીદી માટે આસપાસના અનેક ગામડાઓમાંથી લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ.બજારમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી,જે ડાંગી સમાજમાં તહેવારના ઉત્સાહને દર્શાવે છે.આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં દિવાળીનો પર્વ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર પૂર્વે ખેતીવાડીના કામોમાંથી પરવાર્યા બાદ આદિવાસી પરિવારો પોતાની પરંપરાગત અને આધુનિક જરૂરિયાતોની ખરીદી કરવા માટે હાટ બજાર પર આધાર રાખે છે.સાપુતારાની તળેટીમાં દર રવિવારે ભરાતો શામગહાનનો હાટ બજાર, જે સામાન્ય દિવસોમાં ઓછી સંખ્યામાં ભરાઈ છે.જ્યારે દિવાળી પર્વ નિમિત્તે આ હાટ બજારમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા રાજય ધોરીમાર્ગમાં જ્યાં પણ નજર નાખો ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી.રવિવારે શામગહાન ગામ દિવાળી પૂર્વે ઉત્સવનાં રંગોમાં રંગાયું હતુ.બજારમાં ખરીદી કરવા આવેલા લોકોએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી લઈને દિવાળીના શણગાર અને તહેવાર સંબંધિત દરેક વસ્તુની ખરીદી કરી હતી.ખાસ કરીને, તહેવાર નિમિત્તે નવાં વસ્ત્રો અને ઘર માટે નવાં વાસણોની ખરીદી પર ભાર મૂકવામાં આવ્યો હતો. દિવાળી માટેના પરંપરાગત વ્યંજનો, મીઠાઈઓ અને ફરસાણના સ્ટોલો પર લાંબી કતારો જોવા મળી હતી.તહેવારની ઉજવણી બાદ ખેતીના આગામી કામો માટે જરૂરી સાધનોની ખરીદી પણ થઈ હતી.મસાલા, તેલ, અને અન્ય કરિયાણાની વસ્તુઓ પણ મોટી માત્રામાં ખરીદાઈ હતી.આટલા મોટા માનવ મહેરામણને કારણે વેપારીઓના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી. દિવાળી પર્વ પૂર્વે થયેલા આ ભારે વેપારથી વેપારીઓને સારો એવો આર્થિક લાભ થયો હતો. સમગ્ર હાટ બજારમાં ખરીદીના ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છવાયું હતું, જે સ્પષ્ટ દર્શાવે છે કે આદિવાસી સમાજમાં દિવાળીના પર્વનું કેટલું વિશેષ મહત્ત્વ છે. દિવાળીની રોશની હવે ડાંગ જિલ્લાના ખૂણેખૂણામાં પથરાવા માટે તૈયાર છે..




