અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ૫૮૮ કરોડના ખર્ચે ૨૦૧૮ બેડની નવી હોસ્પિટલનું નિર્માણ પ્રગતિ પર

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસીટી માસ્ટરપ્લાન અંતર્ગત, રૂ. ૫૮૮ કરોડના ખર્ચે ૨૦૦૦થી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવી હોસ્પિટલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં માહિતી આપી હતી કે, પ્રોજેક્ટનો હેતુ હાઇટેક સારવાર સુવિધાઓ સાથે ચેપી રોગો અને જનરલ હોસ્પિટલની જરૂરિયાતોને પૂર્ણ કરવો છે.
કેમ્પસમાં જુના ઇન-ડોર બ્લોક, બ્લોક A થી D અને ઓલ્ડ ટ્રોમા સેન્ટરના જૂના મકાનો તોડવાના કામની શરૂઆત થઈ ગઈ છે. આ જગ્યાએ નવી ઓપીડી બિલ્ડીંગ, ૯૦૦ પથારીની જનરલ હોસ્પિટલ અને ૫૦૦ પથારીની ઈન્ફેશ્યસ ડીસીઝ હોસ્પિટલ બાંધવામાં આવશે.
નવી હોસ્પિટલમાં ૩૦૦ I.C.U. બેડ, જેમાં ૩૨ બેડ ચેપી રોગોના દર્દીઓ માટે, ૬૦ આઇસોલેશન રૂમ, ૫૫૫ ફોર વ્હીલર્સ અને ૧૦૦૦ ટુ વ્હીલર્સ માટે પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ન્યુમોનિયા, કોવિડ-૧૯, ટ્યુબરક્લોસિસ, ડેન્ગ્યુ, ઝીકા વાયરસ, ફંગલ ઇન્ફેક્શન જેવી વિવિધ રોગોની સારવાર ઉપલબ્ધ થશે.
મેડિસીટીમાં અત્યારસુધીમાં કુલ રૂ. ૩૪૬૦ કરોડના ખર્ચે ૩૫ પ્રોજેક્ટ પૂર્ણ થયા છે, જ્યારે રૂ. ૭૩૯ કરોડના નવા કામો શરૂ થવાની તજવીજ ચાલી રહી છે. અમદાવાદમાં આ નવા વિકાસથી દર્દીઓને તાત્કાલિક અને પ્રાથમિક આરોગ્ય સેવાઓ વધુ સગવડભરી બની રહેશે.





