AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) પર્વની ઉજવણી અંગે જાહેર જનતાની સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુસર અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

આગામી તા.૧૪/૦૧/૨૦૨૫ના રોજ અમદાવાદ શહેરમાં મકરસંક્રાંતિ(ઉત્તરાયણ) પર્વની ઉજવણી થનાર છે. આ પર્વને અનુલક્ષીને (૧) અમદાવાદ શહેર વિસ્તારમાં જાહેર માર્ગો/રસ્તાઓ કે મકાનના ધાબા ઉપર ચડીને ભયજનક રીતે લોકો પતંગ ઉડાડતા હોય છે. જેને લઇને વ્યક્તિઓની જાનને જોખમ ઊભું થવાની સંભાવના રહેલી છે. (૨) આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડતા હોય છે. (૩) આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડતા હોય છે. (૪) કેટલાક લોકો જાહેર માર્ગ ઉપર પતંગ ઉડાડતા હોય છે. (૫) તેમજ કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બાંબુઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઈ પણ ધાતુના તારના લંગર બનાવી લઇને આમતેમ શેરીઓ, ગલીઓ જાહેર રસ્તાઓ ઉપર દોડા-દોડી કરતા હોય છે. જેના કારણે ટ્રાફિકને અવરોધ થતો હોય છે. તેમજ રસ્તા ઉપર, ગલીઓમાં ટેલિફોન/ઇલેકટ્રિકના તાર ઉપર વાંસડાઓમાં તારના લંગર નાખીને તારમાં ભરાયેલા પતંગ કાઢવાના પ્રયત્ન કરે, જેના કારણે ટેલિફોન/ઇલેક્ટ્રિકના બે તાર (વાયરો) ભેગા થવાથી શોર્ટ સર્કિટના કારણે તાર તૂટી જવાના કારણે અકસ્માતો સર્જાવાના ગંભીર બનાવ બનતા હોય છે. તેમજ આ પર્વના દિવસે શહેર વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ગૌપાલકો દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા હોય છે. અને આમ જનતા દ્વારા આ ઘાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાયોને નાંખતા હોય છે. જેને અનુલક્ષીને જાહેરમાર્ગો ઉપર ગાયો તથા બીજા પશુઓ દ્વારા ટ્રાફિક અવરોધ પેદા થતો હોય છે. (૬) ઘણાં લોકો પતંગ ઉડાડવા માટે માંઝા અથવા દોરી કે જે, નાઇલોન અથવા અન્ય સિન્થેટિક મટિરિયલ અથવા સિન્થેટિક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન બાયો ડીગ્રેડેબલ હોય તેવા ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય છે. આ ચાઇનીઝ દોરાઓ એકદમ ધારદાર હોવાને કારણે કોઇ વ્યક્તિને શરીરના કોઇ ભાગ ઉપર ઘસાવવાથી શરીર ઉપર તીક્ષ્ણ કાપાઓ પડે છે. જેના કારણે શારીરીક ગંભીર ઇજાઓ થવાના અને કયારેક અંગો કપાઇ જવાના તેમજ કેટલાક સંજોગોમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નીપજયા સુધીના ગંભીર બનાવો પણ બનતા હોય છે. તેમજ પક્ષીઓને ઇજાઓ થવાના અને તેના મોતના બનાવો પણ બને છે. (૭) આ પર્વ નિમિત્તે અમદાવાદ શહેર વિસ્તારમાં ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. તુક્કલમાં હલકી ક્વોલિટીના સળગી જાય તેવા વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાને કારણે જાનમાલ અને સંપતિને નુકસાન થાય છે. તેમજ શહેરની મધ્યમાં એરપોર્ટ (એરોડ્રામ) આવેલ હોય જેથી જાહેર જનતાની સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુસર તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશોને આધિન ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા ઉપર તથા નાઇલોન અથવા અન્ય સિન્થેટિક મટિરિયલ અથવા સિન્થેટિક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન બાયોડીગ્રેડેબલ હોય તેવા ચાઇનીઝ દોરાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા ઉપર હંગામી પ્રતિબંધ માટે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ના રરમા અધિનિયમની કલમ ૩૩(૧) (ખ), ૩૩(૧)(ભ), તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ મળેલ સત્તા હેઠળ પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવું જરૂરી હોય. જેથી નીચે મુજબનો પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે.
આથી જી.એસ.મલિક પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮.૧૧.૮૨ના નોટિફિકેશન નં.જીજી/૪૨૨/સીઆરસી/૧૦૮૨૧૦૮૦/એમ તથા ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ના સંકલિત જાહેરનામાં નં. જીજી/૬/ફકઅ/૧૦૮૮/૬૭૫૦/મ અન્વયે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ મને મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં તા.૦૧/૧૨/૨૦૨૪ના કલાક ૦૦/૦૦ થી તા.૨૨/૦૧/૨૦૨૫ના કલાક ૨૪/૦૦, દિન ૫૩ સુધી નીચે દર્શાવેલ કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે:

(૧) કોઇ પણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગે રસ્તા / ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા ઉપર
(૨) આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ-સ્પીકર વગાડવા ઉપર
(૩) આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉકેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર
(૪) શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બાંબુઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઇપણ પાનુના તારના લંગર બનાવી આમ-તેમ શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ ઉપર દોડા-દોડી કરવા ઉપર
(૫) રસ્તાઓ ઉપર ગલીઓમાં ટેલિફોન / ઇલેક્ટ્રિકના બે વાયરો ભેગા થયાની શોર્ટ સર્કિટના કારણે તાર તૂટી જવાથી અકસ્માતો સર્જાય ગંભીર બનાવો બનતા હોય છે, જેથી ટેલિફોન કે ઇલેક્ટ્રિકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કે કોઇપણ ધાતુના તાર લંગર(દોરી) નાખવા ઉપર તેમજ તેમાં ભરાયેલ પતંગ કે દોરી કાઢવા ઉપર
(૬) જાહેર માર્ગો ઉપર કોઇપણ વ્યક્તિઓ દ્વારા જાહેરમાં ધાસચારાનું વેચાણ કરવા ઉપર અને આમ-જનતા દ્વારા આ ધાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાય/ પશુઓને ધાસચારો નાખી ટ્રાફિક અવરોધ ઊભો કરવા ઉપર
(૭) પ્લાસ્ટિક/પાકા સિન્થેટિક મટિરિયલ, ટોક્સિક મટિરિયલ, કાચ પાવડર તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી નાયલોન/ચાઇનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરાના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર / દોરાના ઉપયોગ કરી પતંગ ઉડાડવા ઉપર
(૮) ચાઈનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/ઉડાડવા ઉપર પ્રતિબંધ છે.
(૯) આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણી જનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર
(૧૦) ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વેચાતા ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરી/ ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ, ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ) ખરીદ તેમજ વેચાણ કરવા ઉપર

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની (BNS)-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ તથા જી.પી.એક્ટ ૧૯૫૧ની કલમ ૧૧૩, ૧૧૭, ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS)-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ તથા જી.પી.એક્ટ ૧૯૫૧ની કલમ ૧૧૩, ૧૧૭, ૧૩૧ મુજબ લેખિત ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!