આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી દ્વારા ‘ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિર’નો પ્રારંભ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
આમ આદમી પાર્ટીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને રાજ્યવ્યાપી સ્તરે તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. પાર્ટી દ્વારા 1 નવેમ્બરથી 3 નવેમ્બર સુધી ત્રિદિવસીય ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ કાર્યકરો અને પદાધિકારીઓને ચૂંટણીની પ્રક્રિયા, મતદાર યાદી, પ્રચારની રીતો તેમજ સંગઠન મજબૂત બનાવવા માટે તાલીમ આપવાનો છે.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમજ 2027 ની વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીઓના સુધારણા માટે SIR પ્રક્રિયા શરૂ થવાની છે, જેમાં કોઈ મતદાર વંચિત ન રહી જાય અને ખોટા મતદારોની એન્ટ્રી ન થાય તે માટે પાર્ટી સંગઠિત રીતે કાર્ય કરશે.”
આ શિબિરનું આયોજન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને હેમંત ખવાની આગેવાનીમાં કરવામાં આવ્યું છે. શિબિર દરમિયાન વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેમાં સંગઠન બાંધકામ, જનસંપર્કની રણનીતિ, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, મતદાર સાથેનો સીધો સંપર્ક અને ચૂંટણી તૈયારી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે, “આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતની જનતાના આત્માને જગાડવાનું બીડું ઝડપી લીધું છે. રાજ્યના દરેક ખૂણે પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો મહાપંચાયત, જનસભા અને પદયાત્રાઓ દ્વારા લોકો સાથે સીધો સંપર્ક સ્થાપી રહ્યા છે. વિસાવદરની જીત બાદ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં પરિવર્તનનો માહોલ સર્જાયો છે અને જનતા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકારી રહી છે.”
તેમણે ઉમેર્યું કે, ભાજપ અને કોંગ્રેસના અનેક આગેવાનો તથા કાર્યકર્તાઓ પણ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ પણ પરિવર્તન માટે આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહ્યા છે.
આ ત્રિદિવસીય શિબિરનું આયોજન અહેમદાબાદ ખાતે કરવામાં આવ્યું છે અને તેમાં રાજ્યના તમામ જિલ્લા તથા તાલુકા સ્તરના પદાધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. શિબિરના અંતે પાર્ટી આગામી ચૂંટણી માટેની સંગઠનાત્મક વ્યૂહરચના જાહેર કરશે.
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આ શિબિરને રાજ્યના રાજકીય પરિવર્તન માટેની નવી શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.






