AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં AAP તમામ 12,000 સીટો પર લડશે: ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં તમામ 12,000 સીટો પર ચૂંટણી લડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંગે અમદાવાદ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ માહિતી આપી હતી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, મનોજ સોરઠિયા, રાકેશ હીરપરા, રાજુભાઈ સોલંકી, પ્રવીણ રામ અને સામત ગઢવી સહિતના પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓ, ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અને આગામી વ્યૂહરચના અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ વખતે આમ આદમી પાર્ટી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની તમામ સીટો પર મજબૂત ઉમેદવારો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. રાજ્યમાં પાર્ટીની મજબૂત હાજરી ઉભી કરવા માટે ગુજરાતને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક ઝોન માટે અલગ ચૂંટણી સમિતિઓ રચવામાં આવી છે. આ સમિતિઓમાં ઝોન પ્રમુખ, સેન્ટ્રલ ઝોન પ્રેસિડેન્ટ, ઓબ્ઝર્વર અને વિધાનસભા પ્રભારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે 10 થી 15 માર્ચ દરમિયાન રાજ્યના 26 લોકસભા વિસ્તારો હેઠળ સંભવિત ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોને એ-ગ્રેડ, બી-ગ્રેડ અને સી-ગ્રેડ મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. હવે 16 થી 18 માર્ચ દરમિયાન સ્ટેટ ઇલેકશન કમિટી દ્વારા ત્રણ દિવસ સુધી આ તમામ ઉમેદવારોના નામો પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.

ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી ‘ઓપન ટુ ઓલ’ના સિદ્ધાંત પર કામ કરે છે, જેના અંતર્ગત સામાન્ય નાગરિકોને પણ રાજકારણમાં આગળ આવવાની તક આપવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે અન્ય રાજકીય પક્ષોની જેમ પરિવારવાદને પ્રોત્સાહન આપવાને બદલે પાર્ટી સામાન્ય લોકો, સમાજસેવકો અને કાર્યકર્તાઓને ઉમેદવારી માટે પસંદ કરશે. મોટી સંખ્યામાં લોકો પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને ચૂંટણી લડવા માટે ઉત્સાહ દર્શાવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયા દ્વારા પાર્ટી એવા ઉમેદવારોને આગળ લાવવા પ્રયત્ન કરી રહી છે, જે સ્થાનિક સમસ્યાઓને સારી રીતે સમજે અને લોકો સાથે સીધો સંપર્ક ધરાવે. પાર્ટીનું માનવું છે કે સ્થાનિક સ્તરે મજબૂત નેતૃત્વ ઉભું કરવાથી વિકાસના પ્રશ્નોને ઝડપી ઉકેલ મળી શકે છે.

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે આ મુદ્દે પાર્ટીનું પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ મળીને નિર્ણય લેશે. તાજેતરમાં આ સીટ ખાલી થતાં પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને પાર્ટી ટૂંક સમયમાં પોતાના ઉમેદવાર અંગે નિર્ણય જાહેર કરશે.

આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે આવનારી ચૂંટણી માટે સંગઠન સ્તરે તૈયારી તેજ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પ્રચાર અભિયાનને પણ ગતિ આપવામાં આવશે. પાર્ટીનો દાવો છે કે આ ચૂંટણીમાં તે મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવશે અને સ્થાનિક સ્તરે પારદર્શિતા તથા જવાબદારી સાથે શાસન આપવાનો પ્રયાસ કરશે.

Back to top button
error: Content is protected !!