AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાતમાં વધતા પ્રદૂષણ મુદ્દે AAPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, AMC સામે તાત્કાલિક પગલાંની માંગ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

વધતા પ્રદૂષણના મુદ્દે રાજ્યભરમાં ગંભીર ચિંતા વ્યાપી રહી છે. ખાસ કરીને અમદાવાદ સહિતના મોટા શહેરોમાં હવાનો ગુણોત્તર ઝડપથી ખરાબ થઈ રહ્યો છે. આ વધતા પ્રદૂષણને લઈને આજે આમ આદમી પાર્ટીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને તંત્રને તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ વધાર્યું હતું.

આ પ્રસંગે AAPના પ્રદેશ મુખ્ય પ્રવક્તા કરન બારોટ, એજ્યુકેશન સેલના પ્રદેશ પ્રમુખ જીતુ ઉપાધ્યાય, શહેર પ્રમુખ વિજય પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ, પ્રદેશ પ્રવક્તા અને ઓબીસી સેલના પ્રદેશ પ્રમુખ રાકેશ મહેરીયા સહિતના આગેવાનોએ AMC સામે નારેબાજી કરી હતી. આગેવાનોએ જણાવ્યું કે પ્રદૂષણનું સ્તર છેલ્લા કેટલાક અઠવાડિયાંથી અત્યંત જોખમી બની ગયું હોવા છતાં AMC અને રાજ્ય સરકાર યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે.

આમ આદમી પાર્ટી દ્વારા સોંપાયેલ આવેદનપત્રમાં જણાવાયું કે ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો, શહેરી ડમ્પિંગ સાઇટ્સ અને વાહન વ્યવહારના વધારાને કારણે હવાની ગુણવત્તામાં ભારે ઘટાડો થયો છે. તાજેતરના આંકડા મુજબ અમદાવાદના અનેક વિસ્તારોમાં AQI 300 થી ઉપર નોંધાઈ રહ્યો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી ગણાય છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ AQI 200 થી વધુ નોંધાતા હવા અત્યંત ઝેરી બની ગઈ છે.

AAPએ વધુમાં જણાવ્યું કે પ્રદૂષિત હવાના કારણે બાળકો, વરિષ્ઠ નાગરિકો અને શ્વસન સંબંધિત બીમારી ધરાવતા લોકોને ગંભીર અસર થઈ રહી છે. શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં ભાર, આંખોમાં ચુભન તથા ગળામાં તકલીફ જેવી ફરિયાદો વધી રહી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આવનારા સમયમાં પ્રદૂષણને કારણે ફેફસાંની ગંભીર બીમારીઓ અને અન્ય આરોગ્ય જોખમોમાં વધારો થઈ શકે છે.

વિરોધ દરમિયાન AAP આગેવાનોએ AMCને પ્રશ્ન કર્યો કે AQI વારંવાર 300 થી 400 પાર જવા છતાં તંત્ર હજુ સુધી ઊંઘમાંથી જાગશે કે નહીં. ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર દાવા કરે છે, પરંતુ વાસ્તવિક કાર્યવાહીમાં પાછળ છે, એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો.

આમ આદમી પાર્ટીએ AMCને તાત્કાલિક હવાના ગુણવત્તા સુધારવા માટે નક્કર પગલાં લેવા માગણી કરી છે. જેમાં ઔદ્યોગિક કચરાનો નિયંત્રણ, ડમ્પિંગ સાઇટ્સના ધૂળ-ધુમાડા રોકવા માટે પગલાં, ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો, વધુ ગ્રીન ઝોનની રચના, તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં રિયલ-ટાઈમ AQI ડિસ્પ્લે જેવી માંગણીઓનો સમાવેશ થાય છે.

AAPએ અંતે જણાવ્યું કે પ્રદૂષણ હવે માત્ર પર્યાવરણનો મુદ્દો નથી, પરંતુ ગુજરાતીઓના આરોગ્ય માટે ગંભીર જોખમ છે. આગામી પેઢીઓ માટે શુદ્ધ હવા છોડી જવી છે તો સરકાર અને તંત્રએ ત્વરિત તથા સખત નિર્ણય લેવાની જરૂર છે. તંત્રની હાલની બેદરકારી જાનલેણ સાબિત થઈ શકે છે.

Back to top button
error: Content is protected !!