ભરૂચના દહેજ સેઝમાં આવેલી ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી, કામદારોમાં દોડધામ મચી

સમીર પટેલ, ભરૂચ
દહેજ સેઝમાં આવેલી મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં રવિવારના રોજ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે કામદારોમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમોએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
ભરૂચના દહેજમાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં છાસવારે આગની ઘટનાઓ સામે આવતી હોય છે. રવિવારના રોજ સવારના પણ દહેજ સેઝમાં આવેલી મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં એકાએક આગ ફાટી નીકળતા કામદારોમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. આગના કાળા ભમ્મર ધુમાળાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની સાયરનોના અવાજથી ઔદ્યોગિક વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ફાયરના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી છે.
મેઘમણી કંપનીમાં આગની જાણ થતા જ ફેક્ટરી ઇન્સ્પેક્ટર, GPCB અને પોલીસની ટીમો પણ તાત્કાલીક સ્થળ પર દોડી આવી હતી. જોકે, આગ ક્યાં કારણોસર લાગી હતી તે હજુ જાણી શકાયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા પણ ઓકટોબર મહિનામાં દિવાળીના દિવસોમાં આગ લાગવાની ઘટના બની હોય આગની ઘટના ચર્ચાનો વિષય બની છે.




