
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુન્દ્રા તાલુકામાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
મુંદરા, તા. 6 : “શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે ખેલતે હૈ” – આ ઉક્તિને સાર્થક કરતા શિક્ષક દિનની મુંદરા તાલુકામાં આવેલી બે શૈક્ષણિક સંસ્થાઓમાં ઉજવણી કરવામાં આવી હતી. ભોરારા પ્રાથમિક શાળા અને શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેનિયા એન્ડ એન્કરવાલા તથા શ્રીમતી ચંદનબેન હાથીભાઈ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, મુંદરામાં વિદ્યાર્થીઓ દ્વારા આચાર્યો અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ભોરારા પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ વંદનાથી શરૂઆત કરવામાં આવી હતી. શાળાના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા અને તેમણે બાલવાટિકાથી ધોરણ ૭ સુધીના વર્ગોમાં અધ્યાપન કાર્ય કરાવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યમાં શિક્ષકોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોનું તાજ પહેરાવીને અને સ્લેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં રમત-ગમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીત ખુરશી અને બલૂન ગેમનો સમાવેશ થાય છે. અંતે, શાળાના આચાર્ય મંજુબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
તેવી જ રીતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના તૃતીય વર્ષના વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને પ્રથમ અને દ્વિતીય વર્ષના વર્ગોમાં અધ્યાપન કાર્ય કરાવ્યું હતું. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે આ કાર્યમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજની સાંસ્કૃતિક સમિતિના સભ્યો, પ્રાધ્યાપકો અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. કોલેજના આચાર્ય ડો. દીપકભાઈ ખરાડી દ્વારા આયોજન માટે સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
બંને સંસ્થાઓમાં યોજાયેલા આ કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓને શિક્ષકનું મહત્વ સમજવાની અને શિક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવાની તક મળી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સંસ્મરણો માટે ગ્રુપ ફોટો પડાવ્યો હતો.

(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)








