ગુજરાતમાં આંગણવાડી બહેનોનો રાજ્યવ્યાપી આંદોલન, હજારો કર્મચારીઓની હડતાળથી સરકાર પર દબાણ !!!

અમદાવાદ
રાજ્યમાં બાળ પોષણ, માતા આરોગ્ય અને પ્રાથમિક વિકાસ જેવી મહત્વપૂર્ણ સેવાઓ સંભાળતી આંગણવાડી બહેનો આજે ખુદ રસ્તા પર ઉતરી આવી છે. વર્ષોથી પડતર પડેલી માંગણીઓ, ન્યાયસંગત વેતનના અભાવ અને સરકારની અવગણનાથી કંટાળીને સમગ્ર ગુજરાતમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શન અને એક દિવસીય હડતાળ યોજાઈ હતી. રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી, ધરણાં અને આવેદનપત્ર કાર્યક્રમો યોજાતા જનજીવન પર સ્પષ્ટ અસર જોવા મળી.
સવારથી જ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, મોરબી સહિત અનેક શહેરોમાં હજારો આંગણવાડી બહેનો એકત્રિત થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. “હક્કનું વેતન આપો”, “હાઈકોર્ટનો હુકમ લાગુ કરો”, “માનદ સેવિકા નહીં, સરકારી કર્મચારી બનાવો” જેવા નારા ગૂંજી ઊઠ્યા.
આંદોલનકારીઓનું કહેવું છે કે તેઓ છેલ્લા દાયકાઓથી ન્યૂનતમ વેતનમાં સરકારની સૌથી મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. નવજાત બાળકોનું પોષણ, ગર્ભવતી મહિલાઓની દેખરેખ, રસીકરણ અભિયાન, સર્વે કામગીરી, ચૂંટણી ડ્યૂટી અને અનેક સરકારી કામગીરી તેમની પાસેથી લેવાય છે, છતાં તેમને મળતું માનધન આજના મોંઘવારી યુગમાં પૂરતું નથી.
બહેનોનો આક્ષેપ છે કે સરકાર તેમને “માનદ સેવિકા” કહી તેમની મહેનતને ઓછું મૂલ્ય આપે છે. જ્યારે હકીકતમાં તેઓ સંપૂર્ણ સમયની કર્મચારીની જેમ કામ કરે છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ આંગણવાડી કાર્યકરોને વધારાનું વેતન અને બાકી રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ મહિનાઓ વીતી ગયા છતાં આ આદેશનો અમલ ન થતા બહેનોમાં ભારે રોષ છે. યુનિયન નેતાઓએ કહ્યું કે કોર્ટના હુકમ છતાં સરકારની ઢીલી નીતિ શ્રમિક વિરોધી હોવાનું સ્પષ્ટ કરે છે.
જામનગરમાં સેકડો બહેનો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર સોપ્યું. રાજકોટમાં રેલીઓ સાથે મુખ્ય માર્ગો પર પ્રદર્શન થયું. સુરતમાં બહેનો જમીન પર બેસી ધરણાં પર ઉતરી આવી. વડોદરામાં સરકાર સામે પ્રતિકાત્મક વિરોધ દર્શાવવામાં આવ્યો.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ આંદોલનનો પ્રભાવ જોવા મળ્યો. અનેક ગામોમાં આંગણવાડી કેન્દ્રો બંધ રહ્યા જેના કારણે બાળકોને મળતું મધ્યાહ્ન પોષણ અને આરોગ્ય સેવાઓ અટવાઈ.
હડતાળને કારણે રાજ્યભરમાં હજારો આંગણવાડી કેન્દ્રો બંધ રહ્યા. પરિણામે નાના બાળકો, ગર્ભવતી અને ધાત્રી માતાઓને મળતી પોષણ કીટ, આરોગ્ય માર્ગદર્શન અને અન્ય સરકારી યોજનાઓ અટકી પડી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ બહેનો વગર વ્યવસ્થા ખોરવાઈ ગઈ.
આંદોલન હવે માત્ર પગાર સુધી સીમિત નથી રહ્યું. બહેનો આને મહિલા શ્રમિકોના સન્માન અને સુરક્ષાની લડત તરીકે જોઈ રહી છે. ઘણા પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે તેમને ન તો સામાજિક સુરક્ષા છે, ન પેન્શન અને ન ભવિષ્ય નિધિ. અકસ્માત કે બીમારી સમયે પણ પૂરતી સહાય મળતી નથી.
યુનિયન દ્વારા સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે જો આગામી સાત દિવસમાં સરકાર તરફથી સ્પષ્ટ નિર્ણય નહીં આવે તો રાજ્યવ્યાપી અનિશ્ચિત સમયની હડતાળ પર જવામાં આવશે. સાથે જ ગાંધીનગર સુધી મહારેલી યોજવાની પણ તૈયારી બતાવવામાં આવી છે.
વિરોધ પક્ષના નેતાઓએ આંદોલનને સમર્થન આપ્યું છે અને સરકાર પર શ્રમિક વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ રાજ્ય સરકાર તરફથી માત્ર એટલું કહેવામાં આવ્યું છે કે માંગણીઓ અંગે ચર્ચા ચાલી રહી છે.
ગુજરાતના વિકાસની વાતો વચ્ચે આજે આંગણવાડી બહેનો રસ્તા પર બેઠી છે — આ દૃશ્ય ઘણું કંઈ કહી જાય છે. જે બહેનો બાળકોનું ભવિષ્ય ઘડે છે, આજે પોતાનાં હક્ક માટે સંઘર્ષ કરી રહી છે. હવે જોવાનું એ છે કે સરકાર તેમની વાજબી માંગણીઓ પર ક્યારે પગલાં ભરે છે.





