અમદાવાદ ખાતે ‘વંદે આયુકોન-૨૦૨૫’માં આયુર્વેદના વિકાસ પર ચિંતન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિનના ઉપક્રમે આયોજિત ‘વંદે આયુકોન-૨૦૨૫’ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી. આ અવસરે મંત્રી પટેલે આયુર્વેદને જીવન જીવવાનું વિજ્ઞાન ગણાવ્યું અને આયુર્વેદ ચિકિત્સકોને ડૉક્ટર નહીં, પણ વૈદ્ય તરીકે ઓળખવામાં ગૌરવ અનુભવવા અનુરોધ કર્યો.
આયુર્વેદનું વૈશ્વિક મહત્ત્વ અને વિકાસ
મંત્રી પટેલે જણાવ્યું કે આયુર્વેદ માત્ર રોગ નિદાન પૂરતું મર્યાદિત નથી, તે જીવન જીવવાની પદ્ધતિ શીખવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ અને આયુર્વેદને વિશ્વસ્તરે પ્રસિદ્ધ બનાવ્યું છે. આયુર્વેદની મહત્ત્વતા સમજાવતાં તેમણે જણાવ્યું કે આ વિજ્ઞાન કોઈપણ સાઇડ ઈફેક્ટ વિના આરોગ્ય સુધારે છે.
આયુર્વેદ ઉદ્યોગમાં નોંધપાત્ર વૃદ્ધિ
આ અવસરે આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં આયુર્વેદના ઉપયોગમાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૧૪માં આયુર્વેદિક ઉત્પાદનોનું ટર્નઓવર ૨.૮૫ બિલિયન ડૉલર હતું, જે ૨૦૨૪માં ૨૪ બિલિયન ડૉલર સુધી પહોંચ્યું છે. આ સાથે, આયુર્વેદિક ઉત્પાદનોની નિકાસમાં પણ ત્રણગણો વધારો નોંધાયો છે.
શ્રેષ્ઠ આયુર્વેદ ચિકિત્સકોનું સન્માન
કાર્યક્રમમાં આયુર્વેદ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા ચિકિત્સકોને સન્માનિત કરવામાં આવ્યા, જ્યારે રાજ્યના શ્રેષ્ઠ ૧૧ આયુર્વેદિક ક્લિનિકોને ‘બેસ્ટ ક્લિનિક-૨૦૨૫’ એવોર્ડ એનાયત થયો. તદુપરાંત, ૫૦૦ ચિકિત્સકોને નિઃશુલ્ક ક્લિનિક ઓપીડી સોફ્ટવેર આપવામાં આવ્યું.
વિશાળ ઉપસ્થિતિ અને ચર્ચાસત્ર
આ આયોજનમાં ૧૫૦૦થી વધુ તબીબો હાજર રહ્યા, જ્યારે ૨૫ હજારથી વધુ આયુર્વેદિક તબીબોએ ઓનલાઇન સહભાગીતા નોંધાવી. ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિનના પ્રમુખ ડૉ. સંજય જીવરાજાણી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મુકુલ પટેલ સહિત અનેક આયુર્વેદ ચિકિત્સકો અને ઉદ્યોગકારો હાજર રહ્યા.