અમદાવાદ ગ્રામ્યમાં જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવનું ભવ્ય આયોજન, વિદ્યાર્થીઓએ વિવિધ વ્યવસાયલક્ષી કૌશલ્યોનું પ્રદર્શન કર્યું

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
સમગ્ર શિક્ષા, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ (ગ્રામ્ય)ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવ (સ્કિલ કોમ્પિટિશન) ૨૦૨૫-૨૬નું સફળ આયોજન અમદાવાદના મકરબા સ્થિત DAV ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કૌશલ્યોત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વ્યવસાયલક્ષી અને રોજગારમુખી કૌશલ્યો વિકસાવવાનો તથા તેમની સર્જનાત્મકતા અને નવીન વિચારોને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.
જિલ્લાની કુલ ૪૪ શાળાઓમાંથી ૧૪૦ વિદ્યાર્થીઓ અને ૮૦ વોકેશનલ ટ્રેનર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, પ્લમ્બિંગ, ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી, એગ્રિકલ્ચર, રિટેલ, આઈટી, હેલ્થ કેર, અપરેલ એન્ડ હોમ ફર્નિશિંગ તેમજ બ્યુટી એન્ડ વેલનેસ સહિત કુલ ૧૦ અલગ-અલગ ટ્રેડમાં તૈયાર કરેલા નવીન પ્રોજેક્ટ્સ રજૂ કરીને પોતાની કૌશલ્ય ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
સ્પર્ધામાં રજૂ થયેલા પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવા માટે કૌશલ્ય શિક્ષણ અને ટેક્નિકલ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા નિષ્પક્ષ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. વિજયભાઈ પટેલ (કૌશલ્ય – ધ સ્કીલ યુનિવર્સિટી), ડો. ઉદયભાઈ ત્રિવેદી (સરકારી પોલિટેકનિક કોલેજ) અને પ્રીતિબેન મહેતા (ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ)એ નિર્ણાયક તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી.
સ્પર્ધાના અંતે વિજેતા શાળાઓની જાહેરાત કરવામાં આવી હતી. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, દેવધોલેરા (તા. બાવળા)એ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર ટ્રેડમાં “કચરાનું વ્યવસ્થાપન” વિષયક પ્રોજેક્ટ રજૂ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. દ્વિતીય સ્થાન તલકચંદ ઝબકબા વિસલપુર હાઈસ્કૂલ (તા. દસક્રોઈ)ને એગ્રિકલ્ચર ટ્રેડમાં “બાયો ચારકોલ” પ્રોજેક્ટ માટે પ્રાપ્ત થયું હતું. જ્યારે તૃતીય સ્થાન સંયુક્ત રીતે બે શાળાઓએ મેળવ્યું હતું, જેમાં શેઠ અમુલખ વિદ્યાલય (તા. સિટી)ને આઈટી-ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડમાં “વેસ્ટ પ્લાસ્ટિક ઇલેક્ટ્રિસિટી” પ્રોજેક્ટ માટે અને ઉત્કર્ષ વિદ્યાલય (તા. સિટી)ને આઈટી ટ્રેડમાં “QICS” પ્રોજેક્ટ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર સરકારી શાળા હવે રાજ્યકક્ષાની સ્કિલ કોમ્પિટિશનમાં અમદાવાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ કૌશલ્યોત્સવ વિદ્યાર્થીઓ માટે માત્ર સ્પર્ધા નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં ઉપયોગી કૌશલ્યો શીખવાનો અને કારકિર્દી દિશામાં માર્ગદર્શન મેળવવાનો મહત્વપૂર્ણ મંચ સાબિત થયો હોવાનું શિક્ષણવિદોએ જણાવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એન. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા યજમાન શાળાના આચાર્ય ડો. દીપક પુરકરશ્રી, શિક્ષણ નિરીક્ષકો ચારુશીલાબેન મકવાણા અને ઇન્દુબેન ચાવડા, આચાર્ય સ્નેહલભાઈ વૈદ્ય, મદદનીશ શિક્ષણ નિરીક્ષક અશરફભાઈ પટેલ, યજમાન શાળાના સુપરવાઈઝર અનુભાબેન તથા તેમની ટીમ, જિલ્લા કો-ઓર્ડિનેટર કુંજલબેન પ્રજાપતિ અને સમગ્ર શિક્ષાની ટીમે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે ભાગ લેનાર તમામ ૪૪ શાળાઓને પ્રોત્સાહન પારિતોષિક આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને રો-મટિરિયલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે વિજેતા શાળાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના આ કૌશલ્યોત્સવ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નવોચાર અને સ્વરોજગાર તરફની દૃષ્ટિ વિકસાવવામાં મહત્વપૂર્ણ પ્રેરણા મળી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.








