GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં બી.પી., ડાયાબીટીસ, કેન્સરની તપાસ માટે મેગા ડ્રાઇવ કેમ્પેઇનનો પ્રારંભ: ૩૧ માર્ચ સુધી ચાલશે સઘન ઝુંબેશ

તા.૨૧/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

૩૦ વર્ષથી વધુ વયના નાગરિકોને આરોગ્ય તપાસ કરાવવા અપીલ

Rajkot: ભારતમાં દર વર્ષે બિન ચેપી રોગોના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ડાયાબિટીસ, બી.પી. જેવા રોગોના નિદાન હેતુ રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ મેગા ડ્રાઇવ કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પ તા.૩૧ માર્ચ ૨૦૨૫ સુધી ચલાવવામાં આવશે.

આ પહેલ હેઠળ, ૩૦ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે રાજકોટ જિલ્લાની કોઈપણ આરોગ્ય સંસ્થા ખાતે મફત આરોગ્ય ચકાસણી ઉપલબ્ધ રહેશે, જેમાં ડાયાબીટીસ (મધુમેહ), બ્લડ પ્રેશર (ઉચ્ચ રક્તદાબ) અને કેન્સરની પ્રાથમિક તપાસ સામેલ રહેશે. આ આરોગ્ય તપાસનો ઉદ્દેશ્ય લોકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો તથા ગંભીર બિન-ચેપી રોગોનું વહેલું નિદાન કરી જરૂરી સારવાર શરૂ કરવાનો છે. આ સઘન ઝુંબેશ દરમ્યાન રોગના ઝડપી નિદાન, ત્વરિત સારવાર, લોક જાગૃતિ, શિબિરો વગેરે કામગીરી કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં હાલ એન.સી.ડી. પોર્ટલ પર હાઇપરટેન્શન(બી.પી.)ના કુલ ૬૨૨૭૫, ડાયાબીટીસના કુલ ૪૨૮૭૩ અને કેન્સરના કુલ ૫૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે અન્ય નાગરિકો પણ સ્વ-આરોગ્ય પ્રત્યે જાગૃત બની નિદાન કરાવવા કેન્દ્રની મુલાકાત લે તેમજ ઝુંબેશની વધુ વિગતો અને નિદાન માટે નજીકની આરોગ્ય સંસ્થાનો સંપર્ક કરે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદી દ્વારા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!