ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક પરીક્ષામાં છબરડો: સાયન્સમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓનો હોબાળો

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એકવાર વહીવટીતંત્રની બેદરકારી સામે આવી છે. જેમાં ઇમર્જિંગ સાયન્સ વિભાગમાં M.Sc. એપ્લાઇડ મેથેમેટિક્સની પરીક્ષામાં નિર્ધારિત અભ્યાસક્રમ-વિષય બહારનું પેપર પૂછવામાં આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા હતા. જોકે, વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ગંભીર છબરડા અંગે સુપરવાઈઝરને જણાવતા અંતે નવું પેપર આપવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, ગુજરાત યુનિવર્સિટીના ઇમર્જિંગ સાયન્સ વિભાગમાં M.Sc. એપ્લાઇડ મેથેમેટિક્સની ‘કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને આર્કિટેક્ચર’ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષાખંડમાં જ્યારે વિદ્યાર્થીઓને પેપર આપવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓ ચોંકી ગયા હતા. વિષય બહારનું પ્રશ્નો પૂછાતાં પ્રિન્ટિંગમાં મોટી ભૂલ થઈ હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર મામલે વિદ્યાર્થીઓએ તાત્કાલિક સુપરવાઈઝરને જાણ કરી હતી. આ પછી યુનિવર્સિટી તંત્ર દ્વારા તરત નવું પેપર તૈયાર કરીને વિદ્યાર્થીઓને આપ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓના સમય વેડફાયો હતો.
અગાઉ ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવાયેલી પરીક્ષામાં પણ અન્ય વિષયનું પેપર પૂછાયું હતું. પરીક્ષામાં આ પ્રકારની બેદરકારીને લઈને યુનિવર્સિટીની વહીવટી કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.





