મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવી પહેલ, ડાયટિશિયન OPDનું ઉદ્ઘાટન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મેદસ્વિતા મુક્ત ભારત” સંકલ્પને અમલી બનાવવાના હેતુસર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી અભિયાન “મેદસ્વિતામુક્ત ગુજરાત” શરૂ કર્યું છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદની 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં “ડાયટિશિયન OPD” શરૂ કરવામાં આવી છે, જે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે.
આ નવીન ઓપીડી રૂમ નં. G-025 માં દરરોજ સવારે 9:00 થી 1:00 અને બપોરે 2:00 થી 5:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ સેવા નો ઉદ્દેશ મેદસ્વિતા ઘટાડવા ઉપરાંત Non-Communicable Diseases (NCDs) જેવી કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગો અને કુપોષણ જેવા સમસ્યાઓ ધરાવતા લોકોને યોગ્ય પોષણ માર્ગદર્શન અને વ્યક્તિગત ડાયટ પ્લાન દ્વારા વધુ સ્વસ્થ જીવનશૈલી તરફ દોરી જવાનો છે.
સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે આ સેવા અંતર્ગત કુપોષિત બાળકો, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને પણ નિષ્ણાત ડાયટિશિયન્સ દ્વારા નિઃશુલ્ક સલાહો આપવામાં આવશે. વધુમાં, BMI (Body Mass Index) ઘટાડવા માટે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવશે.
આ સેવા જનહિતમાં છે અને સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. દરેક નાગરિક માટે ખુલ્લી રહેલી આ OPD આરોગ્ય જાગૃતિ અને પોષણ સલાહકાર તરીકે કામગીરી બજાવશે. વધુ માહિતી માટે લોકો સીધી રીતે રૂમ નં. G-025, 1200 બેડ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે સંપર્ક કરી શકે છે.
આ પહેલ માત્ર સારવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ હકારાત્મક જીવનશૈલી તરફ મોટું પગલું માનવામાં આવી રહી છે.








