
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા.૧૭ ઓક્ટોબર : જ્યના કર્મચારીઓના સૌથી મોટા સંગઠન એવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ( સરકાર માન્ય) ની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજા ( જામનગર) અને મહામંત્રી તરીકે જૈમિન પટેલ ( વડોદરા) બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. રાજ્યસંઘની કારોબારી સમિતિમાં સભાસદોએ આપેલ સત્તાની રૂએ નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રી દ્વારા તમામ જિલ્લાઓ સાથે સંકલન કરી બાકીના વિવિધ હોદ્દાઓની ફાળવણી કરવામાં આવી હતી. આ બાબતે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા તથા મહામંત્રી કેરણાભાઈ આહિરના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો રાજ્યકક્ષાએ સતત ઉઠાવનારા મૂળ ભુજ તાલુકાના ઝુરા ગામના વતની અને હાલે નોખાણિયા પ્રા. શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હરિસિંહ જાડેજાની રાજ્યસંઘમાં કાર્યાધ્યક્ષ જેવા મોભાદાર હોદ્દા પર વરણી કરાઈ છે. તેઓ સતત પાંચમી વખત કચ્છ જિલ્લાનું રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. આ અગાઉ તેઓ રાજ્ય સંગઠનમાં એક ટર્મ સંગઠનમંત્રી તરીકે રહ્યા બાદ સતત ત્રણ ટર્મ સુધી ઉપપ્રમુખ તરીકે બેખૂબીથી પોતાની જવાબદારી નિભાવી ચૂક્યા છે. કચ્છ જિલ્લા સયુંકત કર્મચારી મોરચાના મીડિયા કન્વિનર તરીકે કાર્યરત હરિસિંહ જાડેજા તાલુકા, જિલ્લા તથા રાજ્યસંઘનો પણ મીડિયા સેલ સંભાળી રહ્યા છે. આ સાથે સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોથી તેઓ રાજ્યના શિક્ષકોને વિવિધ નૂતન શૈક્ષણિક પ્રવાહો, પરિપત્રોથી સતત વાકેફ કરતા રહે છે. તેઓ ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીમાં પણ માનદમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમની રાજ્યસંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે થયેલ વરણીને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના કાર્યાઘ્યક્ષ હરદેવસિંહ જાડેજા, ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, કર્મચારી મહામંડળના પ્રમુખ ભાવિન ઠાકર, સયુંકત કર્મચારી મોરચાના મહામંત્રી દિવ્યરાજસિંહ જાડેજા, બિન સરકારી માધ્યમિક શિક્ષક સંઘના મનિષ પટેલ, આચાર્ય સંઘના રણજીતસિંહ જાડેજા, જિલ્લા સંઘના પૂર્વ પ્રમુખ રશ્મિકાન્ત પંડ્યા, દાનુભા જાડેજા , દિનેશ શાહ, રામુભા જાડેજા સહિતનાઓએ આવકારી છે. અને તેમની નિમણૂકથી કચ્છ જિલ્લાનું રાજ્ય કક્ષાએ વજન વધશે તેવુ જણાવ્યું છે.




