GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વરસાદ સંદર્ભે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઇ

તા.૨૬/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

લો લાઈન કોઝ-વે ઉપર વ્યક્તિઓને પસાર ન થવા તેમજ સ્થળાંતરના સંજોગોમાં આશ્રય સ્થાનોની ખરાઈ કરાવીને આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી

Rajkot: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ અન્વયે કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ તાલુકાઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી સંદર્ભે મુદ્દાવાર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ તાલુકા કક્ષાએ ઉપલબ્ધ તમામ સાધન સામગ્રી ચાલુ હાલતમાં હોવાની ખરાઈ કરીને રેડી ટુ યુઝ માટે તૈયાર રાખવા જણાવ્યું હતું. લો લાઈન કોઝ-વે ઉપર પાણી પસાર થતું હોય ત્યારે કોઈપણ વ્યક્તિઓ કે વાહનો પસાર થાય નહીં, તે માટે પોલીસ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના સંપર્કમાં રહીને કોઝ-વે બંધ કરાવવા અને પોલીસ બંદોબસ્ત ગોઠવવા તેમજ ભારે વરસાદના કારણે નદીનાળા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકો અવર-જવર કરે નહીં તથા માલ-ઢોર ચરાવવા જાય નહીં, તેની તકેદારી રાખવા ખાસ સૂચના આપી હતી.

આ ઉપરાંત, ધાર્મિક તહેવારોને અનુલક્ષીને માનવ મહેરામણ ઊમટી પડે, તેવા ધાર્મિક સ્થળો ઉપર જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા અને કોઈ દુર્ઘટના બનવા ન પામે, તેની તકેદારી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નજીકના સમયમાં ડીલીવરી આવે તેમ હોય, તેવી સ્ત્રીઓનો તાલુકા આરોગ્ય અધિકારીશ્રી મારફત સંપર્ક કરીને સલામત સ્થળે રાખવા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. તેમજ તાલુકાકક્ષાએ તમામ આરોગ્ય સ્ટાફને ઉપસ્થિત રહેવા અને જરૂરી તમામ દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા જણાવ્યું હતું.

વધુમાં, તાલુકાકક્ષાએ અને નગરપાલિકા વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તથા પીવાના પાણીની અછત ઉભી ન થાય, તે માટે આગોતરી જરૂરી વ્યવસ્થા કરવા તમામ ચીફ ઓફીસરશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. ભારે વરસાદને કારણે સ્થળાંતર કરવાની પરિસ્થિતિ ઉભી થાય તેવા સંજોગોમાં આશ્રય સ્થાનોની ખરાઈ કરાવીને તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું હતું.

વિશેષમાં, ભારે વરસાદને કારણે જ્યાં પાણી ભરાવવાની શકયતાઓ હોય, તેવા સ્થાનો અને ગામોની મુલાકાત લેવા તથા ભયજનક મકાનોની યાદી તૈયાર કરી, ધરાશાઈ થાય તેમ હોય તેવા મકાનો અને હોર્ડિંગ તાત્કાલિક ઉતરાવી લેવા તેમજ પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે જરૂરી સાફ-સફાઈ અને દવાઓનો છંટકાવ કરાવવા સંબંધીત અધિકારીશ્રીઓને સૂચનો આપવામાં આવ્યાં હતાં.

ઉપરાંત, જિલ્લા કક્ષાએથી આપવામાં આવતી સૂચનાઓ અને ભારે વરસાદની આગાહી સ્થાનિક લોકો સુધી પહોંચે તે માટે તાલુકાના સ્થાનિક વોટસએપ ગ્રુપમાં પણ જરૂરી જાણ કરવા તેમજ તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને લાયઝન અધિકારીશ્રીઓએ પોતાના સબ ડીવીઝનમાં સતત સંપર્કમાં રહીને કોઈપણ દુર્ઘટના બને તો તાત્કાલિક જિલ્લાકક્ષાએ જાણ કરવા જણાવવામાં આવ્યું હતું.

વધુમાં, ભારે વરસાદને પગલે “ઝીરો કેઝયુઆલીટી પોલીસી” અન્વયે માનવ અને પશુઓના મૃત્યુ અને ઇજા સંદર્ભે કામગીરી કરવા અને ખુલ્લી ગટર-નાળા, વીજળી પડવા, સર્પદંશ અને અન્ય ઝેરી જાનવરના દંશના કિસ્સામાં તથા ખુલ્લા વીજવાયર સંદર્ભે સંબંધિત અધિકારીશ્રીઓને તુરંત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!