પ્લાસ્ટિક પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ: શાક-ફ્રૂટ બજારના વેપારીઓ માટે નવો નિયમ લાગુ કરવા નિર્દેશ

ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ અને મેનેજમેન્ટ સંબંધિત મુદ્દે દાખલ કરાયેલી જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને એક મહત્ત્વનું સૂચન કર્યું છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન.રેની ખંડપીઠે શાકભાજી અને ફ્રૂટ બજારના વિક્રેતાઓ પર પ્લાસ્ટિકની થેલીઓનો અસરકારક પ્રતિબંધ લાદી તેના બદલે કપડાની થેલીની પ્રથા અમલમાં લાવવા જણાવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટે પ્લાસ્ટિકના લીધે ફેલાતા ગંભીર પ્રદૂષણ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, ‘અમ્યુકો સત્તાવાળાઓ અને અધિકારીઓ દ્વારા જો શાકભાજી કે ફળફળાદિ વેચનારા લોકોની તપાસ કરવામાં આવે અને પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકાશે તો લોકોને કપડાની કે કાગળની થેલીનો વિકલ્પ મળી રહેશે. ઉતરાખંડ અને હિમાચલમાં તો, પ્લાસ્ટિકની થેલી ઉપર પ્રતિબંધ છે.’
સુનાવણી દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને AMC દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંગેના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં પ્લાસ્ટિક કચરા અને તેના નિકાલની જાગૃતિ સંદર્ભે 2400થી વધુ ઈવેન્ટ્સ-કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ત્રણ લાખ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમો દરમિયાન દસ હજાર ટન જેટલું પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરાયુ હતું. રાજ્યમાં વિવિધ સ્થળોએ કપડાની થેલી માટેના 250 જેટલા મશીનો પણ મૂકવામાં આવ્યા છે. સાથે સાથે દોઢ કરોડ જેટલી મોટી માત્રામાં કપડાની થેલીઓનું લોકોને વિતરણ કરાયું હતું.’
અમ્યુકો તરફથી જણાવાયું કે, ‘અમદાવાદ શહેરમાં ડોર ટુ ડોર કલેકશન અંતર્ગત દિવસમાં 350 મેટ્રીક ટન પ્લાસ્ટિક એકત્ર થઈ રહ્યું છે. 75 માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિક કપ, પાન મસાલાના પ્લાસ્ટિક પાઉચ, પાણીના પ્લાસ્ટિક પાઉચ વગેરે પર પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનાથી 120 માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. અત્યાર સુધીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વિક્રેતાઓ પાસેથી ₹15 કરોડનો દંડ વસૂલ્યો અને 16.50 લાખ કપડાની થેલીઓનું વિતરણ કરાયું છે. કસૂરવારની દુકાન પણ સીલ કરવામાં આવે છે.’
હાઈકોર્ટે અમદાવાદ શહેરમાં સાત ઝોનમાં થઈ રહેલી અસરકારક અમલવારીને ધ્યાનમાં લીધી હતી, પરંતુ સાથે જ તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને લઈ જરૂરી સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી હતી. કેસની વધુ સુનાવણી હવે આવતા મહિને મુકરર કરવામાં આવી છે.





