વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમદાવાદમાં મહિલા રમતવીરોનું સન્માન, ખેલ ક્ષેત્રે મહિલાઓના વધતા પ્રદાનને મળી માન્યતા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG) દ્વારા રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલા ખેલાડીઓને સન્માનિત કરવા માટે ભવ્ય એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યની વિવિધ રમતોમાં સિદ્ધિ હાંસલ કરનાર પ્રતિભાશાળી મહિલા ખેલાડીઓને વિવિધ શ્રેણીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલ આઈ. આર. વાળા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા, જ્યારે જાણીતા ફિટનેસ ઇન્ફ્લુએન્સર સપના વ્યાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રમતગમત ક્ષેત્રે મહિલાઓના વધતા પ્રદાન અને તેમની સિદ્ધિઓને વિશેષ રીતે ઉજાગર કરવામાં આવી હતી.
કાર્યક્રમને સંબોધતા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલ આઈ. આર. વાળાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. વર્ષ 2010માં શરૂ કરાયેલ ખેલ મહાકુંભ આજે રાજ્યના રમતગમત વિકાસ માટે મહત્વપૂર્ણ મંચ બની ગયો છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ખેલ મહાકુંભમાં કુલ 72 લાખથી વધુ રમતવીરો નોંધાયા હતા, જેમાંથી આશરે 29 લાખ મહિલા રમતવીરો હતી. આ આંકડો દર્શાવે છે કે મહિલાઓમાં રમતગમત પ્રત્યેની જાગૃતિ અને ઉત્સાહ સતત વધી રહ્યો છે.
આઈ. આર. વાળાએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર ખેલાડીઓના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ઇન-સ્કૂલ અને DLSS જેવી યોજનાઓ દ્વારા ખેલાડીઓને તાલીમ, રહેઠાણ અને ભોજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર લાંબા ગાળાની રમતગમત નીતિ પર કાર્ય કરી રહી છે અને ગુજરાતના ખેલાડીઓ ઓલિમ્પિક મેડલ ટેલીમાં ટોપ-10માં સ્થાન મેળવે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહેલી ફિટનેસ ઇન્ફ્લુએન્સર સપના વ્યાસે મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે સમાજમાં મહિલાઓએ એકબીજાની સ્પર્ધક બનવાને બદલે એકબીજાનો સહયોગી બનવું જોઈએ. તેમણે જણાવ્યું કે જ્યારે મહિલાઓ એકબીજાનો હાથ પકડીને આગળ વધે છે ત્યારે સમાજમાં સકારાત્મક પરિવર્તન સર્જાય છે. જૂની માન્યતાઓને તોડીને મહિલાઓએ મજબૂત મિત્રતા અને સહકારની ભાવના વિકસાવવી જોઈએ, જે આજના સમયમાં માનસિક સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ માટે પણ મહત્વપૂર્ણ છે.
સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ તુષાર ત્રિવેદીએ જણાવ્યું હતું કે એસોસિએશન છેલ્લા 15 વર્ષથી રાજ્યના ખેલાડીઓની સિદ્ધિઓને સમાજ સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. ખાસ કરીને મહિલા ખેલાડીઓના પ્રદાનને યોગ્ય માન્યતા મળે તે માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાની મહેનત છતાં પૂરતું સન્માન મેળવી શકતા નથી, તેથી તેમની સિદ્ધિઓને ઉજાગર કરવું ખૂબ જરૂરી છે.
એસોસિએશનના પેટ્રોન હિતેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રમતગમત માટે આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. નારણપુરા ખાતે વિકસાવવામાં આવી રહેલું વીર સાવરકર સ્પોર્ટ્સ સ્ટેડિયમ જેવી સુવિધાઓ રાજ્યના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિસ્પર્ધા કરવા માટે સશક્ત બનાવશે.
સમારોહ દરમિયાન વિવિધ શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેમાં ઇમરજિંગ પ્લેયર ઓફ ગુજરાત, પ્રાઈડ ઓફ ગુજરાત, કોન્ટ્રિબ્યુશન ઇન સ્પોર્ટ્સ અને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડનો સમાવેશ થાય છે. વિવિધ રમતોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર મહિલા ખેલાડીઓને ટ્રોફી અને સન્માનપત્ર આપી નવાજવામાં આવી હતી.
કાર્યક્રમમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના હોદ્દેદારો, વરિષ્ઠ પત્રકારો, રમતગમત ક્ષેત્રના નિષ્ણાતો, કોચ અને રમતગમત પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહિલા ખેલાડીઓના અનુભવ અને તેમની સફળતા પાછળના સંઘર્ષ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેને હાજર રહેલા યુવાનો માટે પ્રેરણારૂપ ગણવામાં આવી હતી.
આ સમારોહ દ્વારા મહિલા ખેલાડીઓના પ્રદાનને યોગ્ય માન્યતા આપવાની સાથે સમાજમાં રમતગમત પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.













