સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર માર્ગ સલામતી માસની ઉજવણી
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓ અમદાવાદ દ્વારા સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે માર્ગ સલામતી માસ 2025 ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં એરપોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગ સુરક્ષા, સલામતી અને ટ્રાફિકના નિયમોના પાલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમની શરૂઆતમાં આરટીઓ વિભાગના અધિકારી એ. જે. વ્યાસે માર્ગ સલામતીના મહત્ત્વ અંગે વાત કરતા માર્ગ અકસ્માતની ગંભીરતા, હેલ્મેટ અને સીટબેલ્ટના ફરજિયાત ઉપયોગ વિશે માહિતગાર કર્યા.
તેમણે દિવસેનાદિન વધતા માર્ગ અકસ્માતોની ચિંતાજનક આંકડાઓ અને તેમના નિવારણ માટેની જરૂરીયાત પર ભાર મૂક્યો.
રોટરી ક્લબ અમદાવાદની ડોક્ટર અને રોડ સેફ્ટી તજજ્ઞ ગીતિકા સલુજાએ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે સમજૂતી આપતા કહ્યું કે, બાળકોને નાનપણથી જ ટ્રાફિક અને માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરવાની આદત વિકસાવવી જોઈએ. શાળા કક્ષાએથી જ માર્ગ સલામતી વિશે શિક્ષણ આપવું જોઈએ.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા કર્મચારીઓને કાર્યસ્થળે તેમજ દૈનિક જીવનમાં ટ્રાફિક અને સુરક્ષા નિયમોનું પાલન કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ માર્ગ સલામતી માટે પ્રતિજ્ઞા લીધી.
કાર્યક્રમમાં રોડ સેફટી વિભાગના ડીજીએમ મહંમદ કુરેશી, એચ.આર. વિભાગના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.