વસ્ત્રાપુર હાટ ખાતે કેસર કેરી મહોત્સવ-2025: અમદાવાદીઓ મન મૂકીને માણશે ગીર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની રસાયણમુક્ત કેરી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
શહેરના નાગરિકોને હવે ઉનાળાની મીઠી ભેટરૂપે ગીર, કચ્છ, વલસાડ, નવસારી સહિતની રસાયણમુક્ત કેરીઓ સીધી ઉત્પાદકો પાસેથી પ્રાપ્ત થશે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વસ્ત્રાપુર હાટ ખાતે “કેસર કેરી મહોત્સવ-2025”નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ ખેડૂતો અને શહેરી ગ્રાહકો વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે.
આ મહોત્સવનો શુભારંભ આવતીકાલે 14 મેના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલ કરશે. તેમને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ અને કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા સાથ આપશે. એક મહિના સુધી ચાલી રહેલા આ મહોત્સવમાં ખેડૂત મંડળીઓ, નેચરલ ફાર્મિંગ FPO અને વ્યક્તિગત ખેડૂતોએ તૈયાર કરેલી રસાયણમુક્ત કેરીઓનું વેચાણ કરશે.
આ વર્ષે આશરે 85 સ્ટોલ ખેડૂતોએ વિનામૂલ્યે ફાળવાયા છે. શહેરના વસ્ત્રાપુર હાટ ખાતે યોજાતો આ મેળો માત્ર ખરીદીનો જ નહીં, પણ વૈશ્વિક સ્તરે જાણીતો બનેલ ‘કેસર’ના ગુણધર્મોનો સીધો અનુભવ કરાવતો હશે. શહેરીજનો તલાલા-ગીર, જૂનાગઢ, અમરેલી, કચ્છ, વલસાડ અને નવસારીની ખાદ્ય કેરીનો સીધો સ્વાદ મેળવી શકશે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને પ્રાકૃતિક ખેતીને બળ આપવા માટે વર્ષ 2007થી કેસર કેરી મહોત્સવની પરંપરા શરૂ કરાઈ હતી. વર્ષ 2023ના આ મહોત્સવ દરમિયાન 2.70 લાખ કિલોગ્રામ કેરીનું વેચાણ નોંધાયું હતું, જે રાજ્યના કૃષિ ઉત્પાદન અને વિતરણના પરિવર્તનશીલ દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ છે.
રાજ્ય સરકાર દ્વારા રજુ કરાયેલું આ પ્લેટફોર્મ ન માત્ર ખેડૂતો માટે આવક વધારવાનું સશક્ત સાધન બની રહ્યું છે, પરંતુ શહેરવાસીઓને પણ શુદ્ધ, કાર્બાઇડ ફ્રી, પોષણયુક્ત અને તાજી કેરીઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે દિશામાં મોટો પગથિયું સાબિત થઈ રહ્યું છે.




