AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

પાલનપુરથી શરૂ થયો રાજ્યનો સૌપ્રથમ “સેનેટરી પેડ પરબ” : નયન ચત્રારિયાની જન્મદિવસે અનોખી પહેલ

સમાજમાં નારી આરોગ્ય અને સન્માન માટે આગવી ઓળખ બનાવનાર અને “ગુજરાતના પેડમેન” તરીકે પ્રસિદ્ધ કલા શિક્ષક નયન ચત્રારિયાએ પોતાના જન્મદિવસે અનોખી પહેલ કરી છે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર પાલનપુરથી “સેનેટરી પેડ પરબ”નું ભવ્ય આયોજન કરી તેમણે સમાજને નવી દિશા આપી છે.

નયન ચત્રારિયા છેલ્લા ત્રણ વર્ષથી ઉત્તર ગુજરાતના ગામડાંઓમાં જઈને 10 થી 14 વર્ષની દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરે છે અને સાથે સાથે વૈજ્ઞાનિક સમજણ પણ આપે છે. આજ સુધી તેમણે 476 ગામડાંઓની મુલાકાત લઈને 76,123 દીકરીઓને કુલ ત્રણ લાખ એંસી હજારથી વધુ સેનેટરી પેડ વહેંચ્યા છે.

હવે પોતાના જન્મદિવસે તેમણે પોતાના ઘર પાસેની જાહેર જગ્યાએ “સેનેટરી પેડ પરબ” શરૂ કર્યું છે, જ્યાં જરૂરિયાતમંદ દીકરીઓને કોઈપણ જાતની શરમ કે સંકોચ વિના મફતમાં પેડ ઉપલબ્ધ થશે. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે સમાજમાં માસિકધર્મ જેવા મહત્વપૂર્ણ વિષય ઉપર ખુલ્લેઆમ ચર્ચા થાય અને દીકરીઓને સમયસર જરૂરી સુવિધા મળે.

પાલનપુરથી શરૂ થયેલી આ અનોખી પહેલને સ્થાનિક સમાજ, શિક્ષણજગત અને યુવાવર્ગ તરફથી વિશાળ પ્રતિસાદ મળ્યો છે. અનેક લોકો નયન ચત્રારિયાની આ સેવાકીય દ્રષ્ટિથી પ્રેરાઈ રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં માસિકધર્મ વિષે હજુ પણ અજ્ઞાનતા અને સંકોચ જોવા મળે છે, ત્યાં આ અભિયાન નવી જાગૃતિ લાવશે.

નયન ચત્રારિયાએ જણાવ્યું કે આવનારા સમયમાં આ “સેનેટરી પેડ પરબ”ને ગુજરાતના અન્ય શહેરો અને ગામડાંઓ સુધી વિસ્તૃત કરવાનો સંકલ્પ છે. તેઓ ઈચ્છે છે કે દરેક જરૂરિયાતમંદ દીકરીને સરળતાથી અને નિઃશુલ્ક પેડ મળે જેથી આરોગ્ય, સ્વચ્છતા અને આત્મવિશ્વાસ વધે.

આ રીતે પાલનપુરથી શરૂ થયેલું “સેનેટરી પેડ પરબ” માત્ર એક સેવા નહીં પરંતુ સમાજમાં આરોગ્ય જાગૃતિ, સ્ત્રી સશક્તિકરણ અને નારી સન્માન માટેનું એક ક્રાંતિકારી પગલું સાબિત થશે.

Back to top button
error: Content is protected !!