ઉત્તરાયણ પૂર્વે ગોમતીપુર પોલીસની કડક કાર્યવાહી: ઘાતક ચાઇનીઝ દોરીની 179 રીલ જપ્ત, એકની ધરપકડ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: શહેરના નાગરિકો તથા અબોલ પક્ષીઓની સુરક્ષા માટે જોખમરૂપ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સામે ગોમતીપુર પોલીસે સરાહનીય અને અસરકારક કાર્યવાહી કરી છે. ઉત્તરાયણના તહેવાર પૂર્વે કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધના અમલ માટે ગોમતીપુર પોલીસ સંપૂર્ણ સતર્કતાથી કામગીરી કરી રહી છે.
ગોમતીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.વી. રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન વિસ્તારમાં અસામાન્ય હલચલ પર નજર રાખી રહ્યા હતા. તે દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ગેરકાયદે વેચાણ અંગે વિશ્વસનીય બાતમી મળી હતી. મળેલી માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગોમતીપુર ટોપી મીલ ઢાળ પાસે આવેલી એક સ્ટીમ પ્રેસની દુકાનમાં દરોડો પાડ્યો હતો.
આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી ઘાતક અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની કુલ 179 રીલ જપ્ત કરી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 44,750 જેટલી થાય છે. પોલીસે આ કેસમાં 21 વર્ષીય એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દોરી સપ્લાય કરનાર અન્ય આરોપીને પકડવા માટે તપાસના ચક્રો તેજ કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) એક્ટ-2023 તેમજ જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાઇનીઝ દોરીથી માનવજીવન ઉપરાંત પક્ષીઓ અને અન્ય પ્રાણીઓના જીવને ગંભીર ખતરો રહેતો હોવાથી, આવી કાર્યવાહી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સ્થાનિક નાગરિકોએ ગોમતીપુર પોલીસની આ ત્વરિત કામગીરીને બિરદાવતાં જણાવ્યું છે કે સમયસર લેવાયેલા પગલાંથી અનેક સંભવિત અકસ્માતો ટાળી શકાયા છે. પોલીસ તંત્રએ પણ ઉત્તરાયણ દરમિયાન શહેરમાં ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો ક્યાંય પણ પ્રતિબંધિત દોરીના વેચાણ અથવા ઉપયોગ અંગે માહિતી મળે, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમને જાણ કરવી, જેથી સૌની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.




