શ્રી રંગમંચ સેવા ફાઉન્ડેશન અને એમ.જે. લાઈબ્રેરીના સંયુક્ત ઉપક્રમે આંખોની તપાસ કેમ્પનું સફળ આયોજન
શ્રી રંગમંચ સેવા ફાઉન્ડેશન અને એમ.જે. લાઈબ્રેરીના સંયુક્ત ઉપક્રમે, ખૂબ જ સફળ રીતે આંખોની તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

ગત ગુરુવાર, ૦૮ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ બપોરે ૧ થી ૫ વાગ્યા દરમિયાન શ્રી રંગમંચ સેવા ફાઉન્ડેશન અને એમ.જે. લાઈબ્રેરીના સંયુક્ત ઉપક્રમે, ખૂબ જ સફળ રીતે આંખોની તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જાણીતા ઉદ્યોગપતિ અને શ્રી રંગમંચ સેવા ફાઉન્ડેશનના પેટર્ન ટ્રસ્ટી શ્રી મગનભાઈ પટેલ ની પ્રેરણાથી આયોજિત આ શિબિરમાં, તેજ સુપર આઈ સ્પેશિયાલિટી હોસ્પિટલ – ગાંધીનગર તરફથી આંખની તપાસ માટે આવેલી ટીમે સુંદર સેવા પ્રદાન કરી.
કાર્યક્રમની શરૂઆતમાં, તેજ આઈ હોસ્પિટલના ડોક્ટર શ્રી યોગેશભાઈ ઘેલાણી એ આંખની સંભાળ અને તેનું મહત્વ સમજાવતાં, જીવનમાં સુંદર નજર માટે કઈ કાળજી લેવી જોઈએ તે વિષે માર્ગદર્શન આપ્યું. તેમજ તેજ આઈ હોસ્પિટલ દ્વારા શિબિરાર્થીઓને કેવી રીતે સહાય મળી શકે તે વિશે વિગતવાર માહિતી આપી.
આ પ્રસંગે પૂર્વી સેવા ટ્રસ્ટના નેજા હેઠળ, પ્રસિદ્ધ લેખક, દિગ્દર્શક અને નિર્માતા શ્રી ભરત પંચોલી દ્વારા “ચક્રવ્યૂહ” નામનું અત્યંત મનોહર નાટક રજૂ કરાયું. આ નાટકમાં શ્રી ભરત પંચોલી, રશ્મિ એન્જિનિયર, અરૂણાબેન ચૌહાણ, નીતાબેન કાચા, અને વિરલ વ્યાસ જેવા પ્રતિભાશાળી કલાકારોએ શ્રેષ્ઠ અભિનય કર્યો. સંગીત સંચાલન કાર્તિક ડોડિયાએ કરી આ નાટકને ઉત્તમ બનાવ્યું.
આ શિબિરને વધુ મનોરંજક બનાવવા માટે, રાજકપૂર તરીકે ઓળખાતા શ્રી એમ.કે. મોદીએ ગુજરાતી અને હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગીતો સાથે ડાન્સ અને મિમિક્રીનો શાનદાર કાર્યક્રમ રજૂ કર્યો, જેણે શિબિરાર્થીઓની ભારે પ્રશંસા મેળવી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન, શ્રી સુભાષ ભટ્ટ અને શ્રી આશિષભાઈ ગાંધી દ્વારા, તથા સ્ટેજ સંચાલન શ્રી રમેશ કરોલકર દ્વારા ખૂબ સુંદર રીતે સંભાળવામાં આવ્યું.
આ સફળ કાર્યક્રમ માટે એમ.જે. લાઈબ્રેરીના ગ્રંથપાલ શ્રી બિપીનભાઈ મોદી તેમજ પ્રત્યેક કાર્યકર્તાઓનો હાર્દિક આભાર માનવામાં આવે છે.







