અમદાવાદમાં ‘સ્વેપ’ અભિયાનથી મતદાર જાગૃતિને વેગ: શાળાઓમાં વિદ્યાર્થીઓએ ઊભો કર્યો લોકશાહીના મહાપર્વનો ગુંજારવ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026ને અનુલક્ષીને અમદાવાદ શહેરમાં મતદાર જાગૃતિ માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘સ્વેપ’ (Systematic Voters’ Awareness Plan) અભિયાનને વ્યાપક સ્તરે અમલમાં મૂકવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી આર. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ શાળાઓમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમો દ્વારા મતાધિકાર પ્રત્યે જાગૃતિ વધારવાનો સશક્ત પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ અભિયાન અંતર્ગત શહેરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની સક્રિય ભાગીદારી જોવા મળી રહી છે. નિમા વિદ્યાલય, નવદીપ હાઈસ્કૂલ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં ચિત્રકલા, નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ અને ‘મારો મત, મારી તાકાત’ જેવા સૂત્રો સાથે વિદ્યાર્થીઓએ લોકશાહીના મૂલ્યોને સર્જનાત્મક રીતે રજૂ કર્યા હતા.
વિદ્યાર્થીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીઓ અને પદયાત્રાઓ યોજીને હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે નાગરિકોને તા. 26 એપ્રિલે અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ રેલીઓ દરમિયાન લોકોએ પણ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો અને મતદાન માટે પોતાની તૈયારી દર્શાવી હતી.
આ અભિયાનની વિશેષતા એ રહી હતી કે વિદ્યાર્થીઓએ માત્ર શાળાઓ પૂરતા મર્યાદિત ન રહીને સમાજના વિવિધ વર્ગોને જોડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક રહીશો વચ્ચે સહી ઝુંબેશ યોજીને હજારો લોકોએ મતદાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને યુવાઓએ મતદાન જાગૃતિનો સંદેશ વ્યાપક રીતે ફેલાવ્યો હતો.
શાળાઓમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ સભ્યોએ એકસાથે મતદાન કરવાનો શપથ લીધો હતો. 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ અચૂક મતદાન કરવાની અને પોતાના પરિવારજનો તથા આસપાસના લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
શિક્ષણ વિભાગના આ પ્રયાસોથી સ્પષ્ટ થાય છે કે શાળાઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહી છે. આ અભિયાન દ્વારા શહેરમાં લોકશાહીના મહાપર્વ પ્રત્યે જાગૃતિ વધારવામાં સફળતા મળી રહી છે અને આવનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મજબૂત પાયો તૈયાર થયો છે.
આ રીતે વિદ્યાર્થીઓના ઉત્સાહ અને શિક્ષણ વિભાગની પહેલથી અમદાવાદમાં ‘100 ટકા મતદાન’નું લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.





