AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદના કાંકરિયામાં જૂની અદાવતમાં યુવકની નિર્મમ હત્યા, લાઈવ વીડિયો વાયરલ થતાં શહેરમાં ચકચાર

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક એક યુવકની નિર્ઘૃણ હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. ઝઘડાની જૂની અદાવતમાં યુવકને સમાધાનના બહાને બોલાવી તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મૃતક યુવકનું નામ ચિરાગ રાણા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ મુજબ ચિરાગની હત્યા મંથન ઉર્ફે ઋત્વિક પરમાર અને તેના સાગરિતોએ કરી હતી. આરોપીઓએ અગાઉ થયેલા ઝઘડાનો બદલો લેવા માટે પૂર્વયોજિત રીતે ચિરાગને બોલાવ્યો હતો અને ત્યારબાદ નિર્મમ રીતે હુમલો કરી તેની હત્યા કરી હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, લગભગ બે મહિના અગાઉ મિત્રની બહેનના પ્રેમ સંબંધને લઈને ચિરાગે આરોપીને ઠપકો આપ્યો હતો. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઘટનાને લઈ આરોપીઓમાં મનદુઃખ અને અદાવત ઉભી થઈ હતી, જેનો બદલો લેવા માટે આ હત્યાની યોજના ઘડવામાં આવી હતી.

ઘટનાના દિવસે આરોપીઓએ ચિરાગને સમાધાન કરવાની વાત કરી ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે બોલાવ્યો હતો. ત્યાં પહોંચતા જ તેના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. ચિરાગને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ મણિનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઝોન-6ના ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને ફરાર થયેલા આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી છે. આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલા વીડિયોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટનાથી કાંકરિયા અને મણિનગર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક લોકોમાં ગુસ્સો અને ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે અને આરોપીઓને વહેલી તકે ઝડપી લેવામાં આવશે તેવો વિશ્વાસ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.

Back to top button
error: Content is protected !!