હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન-ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભરૂચ, વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં આજે બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સાવરકુંડલાના બાઢડા, કરજાળા, નેસડી, ઓળીયા, ઝીંઝુડા, પીઠવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી રાહત થઈ.
આ ઉપરાંત, અમરેલીના રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખાંભા ગીરના ભાડ, લાસા, ઉમરીયા, નાના વિસાવદર, તાતણીયા, લાસા, ધાવડિયા, ભાડ, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લાપાળીયા, દેવળીયા, રાજસ્થળીસહિત ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ થતાં રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે 16 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.




