રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદની શક્યતા : હવામાન વિભાગ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આજે સોમવારે રાજ્યના સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, જામનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલી પંથકમાં સૌથી વધુ માવઠાનું જોર જોવા મળ્યું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદની શક્યતા છે. જેમાં 13-14 મે દરમિયાન કચ્છ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વીજળીના કડાકા-ભડાકા સાથે માવઠું પડવાની સાથે-સાથે 40-50ની સ્પીડે પવન ફૂંકાવવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
સોમવારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદની આગાહી કરી હતી. 12 મેના રોજ સાંજના 6 વાગ્યા સુધીમાં છેલ્લા 4 કલાકમાં કુલ 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં 1.42 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટના જામકંડોરાણા, તાપીના કુકરમુંડા, જૂનાગઢના મેંદરડા, અમરેલીના ધારી, જામનગરના જામજોધપુર, તાપીના નીઝર સહિત કુલ 13 તાલુકામાં 1 ઇંચથી ઓછો કમોસમી વરસાદ નોંધાયો છે.




