ભર શિયાળે ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા : હવામાન નિષ્ણાત

ગુજરાતમાં ભર શિયાળે માવઠું પડી શકે છે. ગુજરાતના કરા સાથે પડશે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. 22થી 27 જાન્યુઆરી દરમિયાન કરા સાથે કમોસમી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું પડી શકે છે.
દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો સહિત ઉત્તર ભારતમાં હાલમાં તીવ્ર ઠંડી પડી રહી છે. ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસમાં પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે તેની અસર ગુજરાત સુધી થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાય રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.
ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટાંની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. આ દરમિયાન રાજ્યભરમાં આકાશ વાદળોથી ઘેરાયેલુ રહેશે. તેમજ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરાદ પડવાની શક્યતા રહેલી છે.
જેવો પશ્ચિમી વિક્ષેપ હટશે એટલે ઉત્તરના ઠંડા પવનો ગુજરાતમાં પ્રવેસશે. જેના કારણે રાજ્યમાં ફરી કાતિલ ઠંડી પડશે. હવામાન વિભાગના અંદાજ મુજબ લઘુત્તમ તાપમાન ગગડીને 6 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. વધુમાં આગામી દિવસોના હવામાનની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, “ગુજરાતનાં ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન ઘટી જવાની શક્યતા રહેશે. જાન્યુઆરી મહિનામાં હજુ હાડ થિજવતી ઠંડી રહેશે. અને બીજા મજબૂત પશ્ચિમી વિક્ષેપ પછી ઠંડીની અસર વધુ વધવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી, મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડી રહી શકે. વલસાડના ભાગોમાં પણ ઠંડી વધવાની શક્યતા રહેશે. એટલે જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં હવામાનમાં ઘણા પલટાં આવશે અને 12 ફેબ્રુઆરી પણ વાતાવરણમાં પલટો આવી શકે છે.”





