અમદાવાદ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ : BLO દ્વારા ‘ડોર ટુ ડોર’ એન્યુમરેશન કાર્ય શરૂ, મતદારધર્મ નિભાવવા નાગરિકોમાં ઉત્સાહ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા 1 જાન્યુઆરી 2026ને લાયકાત તારીખ તરીકે ધારીને દેશવ્યાપી મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવ્યો છે. તેના અનુસંધાને અમદાવાદ શહેર-જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ ગતિમાન છે.
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 21 વિધાનસભા વિસ્તારો માટે 5,524 BLOની નિમણૂક કરવામાં આવી છે. BLO દ્વારા મતદાન મથકદીઠ ઘર ઘર જઈ ‘ડોર ટુ ડોર’ એન્યુમરેશન ફોર્મનું વિતરણ, ફોર્મ ભરવાની માર્ગદર્શિકા અને જરૂરી માહિતી આપવાનો કાર્ય ત્વરિત ગતિએ આગળ વધી રહ્યો છે. આ કામગીરી 4 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ દ્વારા આશરે 62.59 લાખ મતદારો સુધી પહોંચવાનું આયોજન છે.
નાગરિકો પણ ઉત્સાહપૂર્વક BLOને સહયોગ આપી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં નાગરિકોએ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખીને પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરી છે. નવા લાયક મતદારોને નામ ઉમેરવાની સાથે મૃત્યુ પામેલા, સ્થળાંતરિત અથવા ડુપ્લિકેટ નામો દૂર કરવાની પ્રક્રિયા પણ ચાલું છે, જેથી મતદારયાદી વધુ શુદ્ધ અને સચોટ બની રહે.
વધુમાં, મતદારો https://voters.eci.gov.in પર જઈ અગાઉના SIRના ડેટામાં પોતાનું નામ ચકાસી શકે છે. મતદાર રજીસ્ટ્રેશન અથવા મતદાર યાદી સંબંધિત કોઈપણ માહિતી કે માર્ગદર્શન માટે નાગરિકો 1950 હેલ્પલાઇન નંબર પર ફોન કરીને સહાય મેળવી શકે છે.
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે. જિલ્લાનાં નાગરિકો સક્રિય રીતે જોડાતા આ કામગીરીને વધુ અસરકારક અને સફળતા મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે










