અમે નોંધાવ્યો ઈતિહાસ: યુ.એન. મહેતા હોસ્પિટલમાં 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ યોજાયા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: રાજ્ય આરોગ્ય વિભાગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલએ માત્ર 2.5 વર્ષના ટૂંકા ગાળામાં 50 સફળ હૃદય પ્રત્યારોપણ (હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ) કર્યાં છે.
હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2022માં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી શરૂ થયેલી આ યાત્રાએ આજે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ “સ્વસ્થ ભારત” અભિયાનને યથાર્થ રૂપ આપવામાં હૃદયપ્રત્યારોપણ કાર્યક્રમે અગત્યની ભૂમિકા ભજવી છે.
હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલા 50 ટ્રાન્સપ્લાન્ટમાં 37 પુખ્ત પુરુષો, 11 પુખ્ત મહિલાઓ અને 2 બાળ દર્દીઓનો સમાવેશ થાય છે. દર્દીઓ માત્ર ગુજરાતમાંથી નહીં, પણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાંથી પણ અહીં સારવાર માટે આવે છે. આ યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (UNMICRC) પ્રત્યેનો વિશ્વાસ दर्शાવે છે.
ડૉ. દોશીએ કહ્યું કે, યુ.એન. મહેતા હોસ્પિટલમાં હૃદય પ્રત્યારોપણ બાદ જીવિત રહેવાનો દર સરેરાશ 92% રહ્યો છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ દર 90% આસપાસનો હોય છે.
ટ્રાન્સપ્લાન્ટના ખર્ચ અંગે તેઓએ જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલમાં જે સારવાર માટે લાખો રૂપિયાનું ખર્ચ થાય છે, તે અહીં PMJAY (આયુષ્માન ભારત), મહાત્મા ગાંધી બલિહાર યોજના, યુ.એન. મહેતા ફાઉન્ડેશન અને અન્ય ચેરીટેબલ સંગઠનોના સહયોગથી દર્દીઓના માટે નિઃશુલ્ક ઉપલબ્ધ છે. અત્યાર સુધીના 50 કેસમાં 96% દર્દીઓએ નિઃશુલ્ક સારવાર પ્રાપ્ત કરી છે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી કાર્યરત યુ.એન. મહેતા હોસ્પિટલએ ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય સ્તરે હૃદય પ્રત્યારોપણની દ્રષ્ટિએ એક મક્કમ ઓળખ ઉભી કરી છે. આ સિદ્ધિ હૃદય રોગવિભાગમાં ઊંચા પ્રમાણમાં નિષ્ણાત સેવા અને સારવાર પૂરી પાડતી રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.




