
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અમદાવાદના બે વાહન ચોરી કેસનો ભેદ ઉકેલાયો – અરવલ્લી LCBની કામગીરી, એક આરોપી ઝડપાયો
અમદાવાદ શહેરના ઘાટલોડીયા અને આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા બે વાહન ચોરીના વણશોધાયેલા ગુનાઓનો અરવલ્લી એલ.સી.બી.એ ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલ બે મોટર સાયકલ કુલ અંદાજિત કિંમત રૂ. 80,000 સાથે કબ્જે કરી છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ શોધવા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર એમ.એચ. ઝાલાની આગેવાની હેઠળ ટીમે કામગીરી કરી હતી.મળેલી બાતમીના આધારે ગાજણ ગામની સીમ પાસે સર્વોત્તમ હોટલ આગળ શામળાજી-મોડાસા હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરનું લાલ રંગનું Honda Grazia Drum સ્કૂટર સાથે એક શંકાસ્પદ યુવકને રોકી તપાસ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ વિકાસભાઈ લક્ષ્મણભાઈ ભગોરા (રહે. ધામોદ, તા. વિંછીવાડા, જી. ડુંગરપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું.તપાસમાં ખુલ્યું કે આરોપીએ પોતાના મિત્ર રાહુલભાઈ નટવરભાઈ તબીયાડ સાથે મળી અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાંથી સ્કૂટર તથા આનંદનગર વિસ્તારમાંથી Bajaj Pulsar RS મોટર સાયકલ ચોરી કરી હતી.
પોલીસ તપાસમાં બંને વાહનો સંબંધિત નીચે મુજબના ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું:
ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ગુનો નં. 50/2026 (BNS કલમ 303(2))
આનંદનગર પોલીસ સ્ટેશન ગુનો નં. 70/2026 (BNS કલમ 303(2))
ઝડપાયેલ આરોપી:
વિકાસભાઈ લક્ષ્મણભાઈ ભગોરા (ધામોદ, ડુંગરપુર, રાજસ્થાન)
વોન્ટેડ આરોપી:
રાહુલભાઈ નટવરભાઈ તબીયાડ (ધામોદ, ડુંગરપુર, રાજસ્થાન)
કબ્જે કરાયેલ મુદ્દામાલ:
Honda Grazia Drum સ્કૂટર (રૂ. 40,000)
Bajaj Pulsar RS મોટર સાયકલ (રૂ. 40,000)
પકડાયેલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી છે.





