
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ હાલમાં આરોગ્ય સેવાનું ધામ રહેવાને બદલે ગંદકીનું ઘર બની ગઈ હોય તેવી વરવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હોસ્પિટલ જેવી અત્યંત સંવેદનશીલ અને જનહિતની જગ્યાએ, જ્યાં દર્દીઓ સ્વાસ્થ્ય સુધારવા માટે આવતા હોય છે, ત્યાં ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે.સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે હોસ્પિટલની દીવાલો પર જે સર્વધર્મ સમભાવ અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રદર્શિત કરતા ચિત્રો છે, તેની ઉપર જ અસામાજિક અને અસંસ્કારી તત્વો દ્વારા પાન-મસાલાની પિચકારીઓ મારીને ગંદકી ફેલાવવામાં આવી છે.પવિત્ર ઓમ, ક્રોસ, ચંદ્ર-તારો અને અન્ય ધાર્મિક પ્રતીકોની આસપાસ જે રીતે ગંદકીના થર જોવા મળે છે, તે માત્ર શારીરિક ગંદકી નથી પરંતુ ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક મૂલ્યોનું ધોર અપમાન છે. આવા કૃત્યો કરનારા તત્વો જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે અને હોસ્પિટલના પવિત્ર વાતાવરણને લજવી રહ્યા છે.આ ગંભીર પરિસ્થિતિ પાછળ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી પણ છતી થાય છે. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દીવાલો પર સ્વચ્છતા જાળવવા માટેના બોર્ડ તો લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ આ બોર્ડ માત્ર કાગળ પરની કામગીરી અને શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. જમીની હકીકત એ છે કે ત્યાં કોઈ પણ પ્રકારનું સુપરવિઝન કે દેખરેખ જોવા મળતી નથી, જેના કારણે આવા તત્વોને જાહેરમાં ગંદકી કરવાની છૂટ મળી ગઈ છે. અધિકારીઓ દ્વારા માત્ર બોર્ડ લગાવીને પોતાની જવાબદારી પૂર્ણ થઈ ગઈ હોવાનું માની લેવું એ પ્રજાની આંખમાં ધૂળ નાખવા બરાબર છે. જો ખરેખર સ્વચ્છતાના આગ્રહી હોય તો અત્યાર સુધી આ પ્રકારે ધાર્મિક ચિહ્નોને અપમાનિત કરનારા લોકો સામે કેમ કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી? શું સત્તાધીશો આ દ્રશ્યો જોઈને પણ ઊંઘમાં છે તેવો પ્રશ્ન સ્થાનિક જનતામાં ઉઠી રહ્યો છે.હવે સમય આવી ગયો છે કે હોસ્પિટલ પ્રશાસન અને સંબંધિત અધિકારીઓ પોતાની કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને આ ગંદકી ફેલાવતા તત્વો સામે લાલ આંખ કરે. હોસ્પિટલના દરેક ખૂણે CCTV કેમેરા દ્વારા કડક મોનિટરિંગ કરવામાં આવે અને જે કોઈ પણ વ્યક્તિ પાન-મસાલાની પિચકારી મારતા કે ગંદકી કરતા પકડાય તેની સામે ભારે દંડની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જે રીતે ધાર્મિક સંવેદનાઓ સાથે ચેડાં કરવામાં આવ્યા છે, તે જોતા તાત્કાલિક અસરથી આ દીવાલોની સફાઈ કરાવીને તેને પુનઃ પવિત્ર કરવામાં આવે તે અનિવાર્ય છે. જો તંત્ર હજુ પણ આ બાબતે નિષ્ક્રિય રહેશે તો આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે પણ ઉચ્ચ કક્ષાએથી તપાસ થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે..





