
વાત્સલ્યમ સમાચાર
વાંસદા ડાંગ
ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે વેપારી એસોસિએશનના નવા પ્રમુખ પદ માટે તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં નગરનાં વેપારી વર્ગે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ચૂંટણીમાં બે પ્રતિષ્ઠિત વેપારીઓએ ઉમેદવારી નોંધાવી હતી, અને લોકશાહી ઢબે બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આહવાના વેપારી એસોસિએશનના વડા કોણ બનશે તે અંગે વેપારી આલમમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી.ચૂંટણીના અંતે જ્યારે મતોની ગણતરી કરવામાં આવી, ત્યારે પરિણામો સ્પષ્ટપણે એક તરફી રહ્યા હતા.પ્રમુખ પદના ઉમેદવાર હરિરામભાઈ રતિલાલભાઈ સાંવતને વેપારી વર્ગનો જંગી ટેકો મળ્યો હતો. તેમને કુલ 377 મતો પ્રાપ્ત થયા હતા, જે તેમની લોકપ્રિયતા અને આહવા નગરનાં વેપારી સમુદાયમાં તેમના પ્રભાવને દર્શાવે છે.તેમના હરીફ ઉમેદવાર દીપકભાઈ પીંપળેને માત્ર 14 મતો જ મળ્યા હતા. આ મતોની ગણતરી જોતા, દીપકભાઈ પીંપળેની આ ચૂંટણીમાં કારમી હાર થઈ હતી, અને મુકાબલો સંપૂર્ણપણે એકતરફી સાબિત થયો હતો.આ જંગી મતોની સરસાઈ સાથે,આહવાનાં ઉપસરપંચ અને ભાજપાનાં મહામંત્રી હરિરામભાઈ સાંવતની આહવા વેપારી એસોસિએશનના નવા પ્રમુખ તરીકે ભવ્ય જીત થઈ છે. તેમની જીતની જાહેરાત થતા જ આહવા નગરમાં વેપારીઓ અને તેમના સમર્થકોમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું હતુ.નવનિયુક્ત પ્રમુખ હરિરામભાઈ સાંવત હવે આહવા નગરના વેપારીઓના હિત અને એસોસિએશનના વિકાસ માટે આગામી કાર્યકાળમાં નેતૃત્વ પૂરું પાડશે. વેપારી સમુદાયે આશા વ્યક્ત કરી છે કે તેમના નેતૃત્વ હેઠળ આહવા વેપારી એસોસિએશન નવી ઊંચાઈઓ સર કરશે અને વેપારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવશે એવી આશા સેવાઈ રહી છે..






