AHAVADANGGUJARAT

આહવા ખાતે સગીરા સાથે દુષ્કર્મના કેસના નરાધમ આરોપી પ્રફુલ નાયકનાં કૃત્યનાં વિરોધમાં આહવા નગર સજજડ બંધ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી પ્રતિષ્ઠિત ‘ડાંગ સ્વરાજ આશ્રમશાળા’ માં માનવતા અને શિક્ષણ જગતને લજવતો અત્યંત ગંભીર કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સુરક્ષાના નામે ચાલતી આ સંસ્થામાં રક્ષક જ ભક્ષક બન્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આશ્રમશાળાના મહિલા પ્રમુખ જાગૃતિબેન નાયકના પતિ પ્રફુલભાઈ નાયકે એક ૧૫ વર્ષીય સગીર વયની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધાતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા અને પીડિત બાળકીને ન્યાય અપાવવાની માંગ સાથે તારીખ ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વિવિધ આદિવાસી સંગઠનો અને વેપારી મંડળો દ્વારા આહવા નગર સજજડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યુ છે, જેને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.આ સંવેદનશીલ ઘટનાની કંપારી છૂટી જાય તેવી વિગતો મુજબ, આશરે સાતથી આઠ દિવસ પહેલા આશ્રમની અન્ય વિદ્યાર્થિનીઓ જ્યારે સાફ-સફાઈના કામમાં વ્યસ્ત હતી, ત્યારે આ દુષ્કર્મનું આયોજનબદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું.આશ્રમમાં રસોઈકામ કરતી સોનલબેન નામની મહિલાએ ભોગ બનનાર સગીરાને “રસોડામાં કામ છે” તેમ કહી વિશ્વાસમાં લઈને બોલાવી હતી અને ત્યારબાદ આ માસૂમ દીકરીને પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને પીવડાવી દીધી હતી. કેફી પીણું પીધા બાદ સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી, જેનો લાભ ઉઠાવી પ્રફુલભાઈ નાયક તેને ઉંચકીને પોતાના રૂમમાં લઈ ગયા હતા અને ત્યાં તેની લાચારીનો ફાયદો ઉઠાવી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી નરાધમ કૃત્ય આચર્યું હતુ. જે સંસ્થા પર વાલીઓ અતૂટ ભરોસો મૂકીને પોતાની દીકરીઓને ભણવા મોકલે છે, ત્યાં જ સત્તા અને વગનો દુરુપયોગ કરીને દીકરીઓની આબરૂ સાથે ખેલ ખેલાતા શિક્ષણ જગત સામે અનેક સવાલો ઊભા થયા છે.આ હીન ઘટનાના વિરોધમાં આહવા નગરના બજારો સવારથી જ સ્વયંભૂ બંધ જોવા મળ્યા છે. વેપારીઓએ પોતાની દુકાનોના પાટીયા પાડી દઈને આ દુષ્કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. રસ્તાઓ પર ટ્રાફિક નહિવત જોવા મળી રહ્યો છે અને લોકોમાં આ નરાધમ આરોપી પ્રફુલ નાયક પ્રત્યે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આદિવાસી સમાજના આગેવાનોએ માંગ કરી છે કે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. બીજી તરફ, આહવા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી પ્રફુલભાઈ નાયક અને તેને મદદ કરનાર રસોઈણ સોનલબેન વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીની અટકાયત કરી રિમાન્ડ મેળવ્યા બાદ જુયુડીસીયલ કસ્ટડીમાં ધકેલી દીધા છે.આ ઘટનાએ સમગ્ર ડાંગ જિલ્લામાં અરેરાટી ફેલાવી દીધી છે અને લોકો હવે આશ્રમશાળાઓમાં બાળકોની સુરક્ષા અંગે સરકાર પાસે નક્કર પગલાની માંગ કરી રહ્યા છે..

Back to top button
error: Content is protected !!