
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં નાતાલના પર્વ નિમિત્તે પ્રવાસીઓની ભારે ભીડ અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને તૈનાત કરવામાં આવેલા પોલીસ કાફલાને ગેરમાર્ગે દોરવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાની જાતને દિલ્હી ક્રાઈમ બ્રાંચનો ઉચ્ચ અધિકારી ગણાવી રોફ જમાવતા એક ઈસમને આહવા પોલીસે તેની અસલી ઓળખ છતી કરી કાયદેસરના સળિયા પાછળ ધકેલી દીધો છે.નાતાલ (ક્રિસમસ)ના તહેવારને પગલે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પુજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એચ. સરવૈયા અને જનેશ્વર નલવાયાના માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા સમગ્ર આહવા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ બંદોબસ્ત દરમિયાન આહવા પોલીસ મથક વિસ્તારમાં નિલેશ ગાયકવાડ નામનો એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.જ્યારે ફરજ પરના પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ તેની પૂછપરછ કરી, ત્યારે આ શખ્સે અત્યંત આત્મવિશ્વાસ સાથે પોતે “દિલ્હી ક્રાઈમ બ્રાંચનો ઉચ્ચ અધિકારી” હોવાની ઓળખ આપી હતી. તેણે પોલીસને ધાક જમાવવા માટે એક ઓળખપત્ર (આઈ-કાર્ડ) પણ બતાવ્યું હતું, જેથી પ્રથમ દ્રષ્ટિએ પોલીસ જવાનો પણ મૂંઝવણમાં મુકાયા હતા.આ શખ્સની હિલચાલ શંકાસ્પદ જણાતા આહવા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એસ. પટેલ અને તેમની ટીમે સતર્કતા દાખવી તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પાસે રહેલું ઓળખપત્ર “INTERNATIONAL HUMAN RIGHTS PROTECTION COUNCIL, NEW DELHI, INDIA” નામની સંસ્થાનું હતું.જ્યારે પોલીસ દ્વારા આ કાર્ડ અંગેના આધારભૂત દસ્તાવેજો માંગવામાં આવ્યા, ત્યારે આરોપી નિલેશ ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો અને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. અંતે, તે કોઈ સરકારી ઉચ્ચ અધિકારી નહીં પરંતુ પોલીસને છેતરનારો એક સામાન્ય શખ્સ હોવાનું સાબિત થયું હતું.પોલીસને ખોટું આઈકાર્ડ બતાવી ગેરમાર્ગે દોરવા અને પોલીસ વિભાગની છબી ખરડવાના ગુના બદલ આહવા પોલીસે આરોપી નિલેશભાઈ વિનયભાઈ ગાયકવાડ (ઉંમર ૫૪ વર્ષ, રહે.મિશન કોલોની, આહવા, ડાંગ મૂળ રહે. વલ્લભ વિદ્યાનગર, આણંદ) ની અટકાયત કરી છે.તેમજ આહવા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૦૫ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે..





