
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ સ્વરાજ આશ્રમશાળાની સગીર આદિવાસી વિદ્યાર્થિની પર દુષ્કર્મના આરોપી સામે કડક કાર્યવાહી માટે માંગ ઉઠી.
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા કોંગ્રેસ સમિતીનાં આગેવાનોમાં સુભાષભાઈ વાઘ,મનીષભાઈ મારકણા, લતાબેન ભોયે, હિનાબેન પટેલ તથા સાલેમભાઈ પવારની આગેવાની હેઠળ ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ.ડાંગ સ્વરાજ આશ્રમશાળાની ૧૫ વર્ષની સગીર આદિવાસી વિદ્યાર્થિની પર થયેલા દુષ્કર્મના ગંભીર બનાવ અંગે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ડાંગ સ્વરાજ આશ્રમશાળા જેવી સંસ્થા જ્યાં ગરીબ અને આદિવાસી બાળકો શિક્ષણ મેળવી પોતાનું ભવિષ્ય ઘડવા આવે છે, ત્યાં જ એક માસૂમ સગીર દીકરીની સુરક્ષા અને અસ્મિતા પર ઘાતકી હુમલો થયો છે.આશ્રમશાળાના મહિલા પ્રમુખ જાગૃતિબેન નાયકના પતિ પ્રફુલભાઈ નાયક દ્વારા આ સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટનાથી સમગ્ર જિલ્લામાં ભારે રોષ અને ભયનો માહોલ સર્જાયો છે.આ ઘટનાને લઈને ડાંગ જિલ્લાના જાગૃત નાગરિકો તથા આહવા તાલુકા કોંગ્રેસ સમિતિએ નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરી છે.જેમાં ઝડપી ટ્રાયલ (Fast Track Trial) ચલાવવામાં આવે,આ કેસની તપાસ અત્યંત ગંભીરતાથી કરીને વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીને વહેલી તકે સજા થાય તેવા પગલાં લેવામાં આવે.તથા (POCSO) એક્ટ હેઠળ નોંધાયેલા આ ગુનામાં આરોપીને કડકમાં કડક અને દાખલારૂપ સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવા ઘૃણાસ્પદ કૃત્ય કરવાની હિંમત ન કરે.સાથે પીડિતાની સુરક્ષા અને પુનર્વસન કરવામાં આવે.ભોગ બનનાર સગીર વિદ્યાર્થિનીને સંપૂર્ણ પોલીસ રક્ષણ આપવામાં આવે તેમજ તેને માનસિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પુનઃસ્થાપિત કરવા યોગ્ય સહાય અને સારવાર પૂરી પાડવામાં આવે.આ કૃત્ય સંસ્થાના હોદ્દેદારના સગા દ્વારા થયેલ હોવાથી સંસ્થાની જવાબદારી નક્કી કરવામાં આવે અને જો કોઈ બેદરકારી કે ઢીલાશ જણાય તો સંસ્થા સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.વધુમાં આહવા તાલુકા કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી છે કે જો આ ઘટનામાં ત્વરિત અને ન્યાયસંગત કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. સાથે જ, સમિતિએ ન્યાયતંત્ર અને વહીવટી તંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરી જણાવ્યું છે કે સગીર દીકરીને ન્યાય અપાવવા માટે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે..





