GUJARATHALOLPANCHMAHAL

હાલોલના દાવડા નજીક હાઈવે ઉપર પડેલા વિશાળ પથ્થરના કારણે લાકડા ભરેલો ટેમ્પો પલટી ખાતા સર્જાયો અક્સ્માત 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૧૨.૨૦૨૫

હાલોલ–શામળાજી ટોલ રોડ ઓથોરિટીની ગંભીર પ્રકારની બેદરકારીનો વધુ એક મામલો સામે આવ્યો છે. હાલોલ બાયપાસ રોડ પર દાવડા નજીક કલ્પવૃક્ષ સોસાયટી પાસે હાઈવે ઉપર પડેલા એક વિશાળ પથ્થરના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટોલ રોડ ઓથોરિટી દ્વારા માત્ર ટોલ વસૂલવા પર જ ધ્યાન આપવામાં આવતું હોવાનું સ્થાનિકોમાં રોષ સાથે કહેવામાં આવી રહ્યું છે, જ્યારે ગાઈડલાઈન મુજબ ટોલ વસૂલતી કંપનીની જવાબદારી છે કે હાઈવેનું નિયમિત ઇન્સ્પેક્શન, જાળવણી અને સમારકામ કરવામાં આવે.પ્રાપ્ત માહિતી મુજબ દાવડા નજીક રોડ ઉપર લાંબા સમયથી એક મોટો પથ્થર પડેલો હતો, જેને હટાવવામાં ન આવતા શુક્રવારના રોજ મોડી રાત્રે જાંબુઘોડાથી લાકડા ભરી સાવલી તરફ જઈ રહેલો એક ટેમ્પો પથ્થર સાથે અથડાઈ પલટી ખાઈ ગયો હતો. સદનસીબે ટેમ્પોમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરને કોઈ ગંભીર ઇજાઓ પહોંચી ન હતી. આ જ સ્થળે એક લક્ઝરી બસ પણ અકસ્માતથી બચી ગઈ હતી.જો લક્ઝરી બસ આ પથ્થર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હોત તો અનેક મુસાફરોને ઇજાઓ પહોંચવાની સાથે મોટી જાનહાની પણ થવાની શક્યતા હતી.અકસ્માત બાદ મોડી રાત્રે પલટી ખાઈ ગયેલા ટેમ્પોને સીધો કરીને લાકડા ભરવાની અને પથ્થર હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે હાલોલ–શામળાજી રોડ પર અનેક સ્થળોએ રોડની મરામત અને જાળવણીમાં ભારે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. રોડ પર પડેલા ખાડાઓ, અવરોધો અને જોખમી સ્થિતિને લઈને વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.લોકોમાં ભારે રોષ છે કે ટોલ ઓથોરિટી દ્વારા રસ્તાનું નિયમિત ઇન્સ્પેક્શન કરવામાં આવતું નથી તેમજ સમયસર સમારકામ પણ કરવામાં આવતું નથી. હવે લોકો દ્વારા માંગ ઉઠી છે કે ટોલ રોડ ઓથોરિટી સામે જવાબદારી નક્કી કરી તાત્કાલિક અસરથી રોડની સુરક્ષા અને મરામત કામગીરી હાથ ધરવામાં આવે, જેથી ભવિષ્યમાં મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય.

Back to top button
error: Content is protected !!