દારૂની હેરાફેરીનો પર્દાફાશ:અંકલેશ્વરમાં ₹33 લાખના ઈલેક્ટ્રોનિક્સની આડમાં ₹15 લાખનો વિદેશી દારૂ પકડાયો



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સેમસંગના ઈલેક્ટ્રોનિક ઉપકરણોની આડમાં છુપાવેલો ₹15.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
સેલવાસથી નીકળેલા કન્ટેનરમાં રાજસ્થાનના સંતોષ પ્રજાપતિએ સેમસંગના 86 ટીવી, ફ્રીજ અને કોમ્પ્યુટર મૂક્યા હતા. આ ઈલેક્ટ્રોનિક સામાનની કિંમત ₹33.10 લાખ છે. વોન્ટેડ ગોપાલસિંગ ઉર્ફે ગોપી રાજપૂતે કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરાવ્યો હતો.
પાનોલી જીઆઈડીસીમાં વલસાડ પાસિંગની બલેનો કારનો ચાલક દારૂનો જથ્થો લેવા આવવાનો હતો. પોલીસે કન્ટેનરને ઘેરી લઈ ડ્રાઈવરની ધરપકડ કરી હતી. તપાસમાં કન્ટેનરમાંથી 4,629 બોટલ દારૂ અને બિયર મળી આવ્યા હતા.
LCBએ કુલ ₹68.47 લાખના મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે. બલેનો કાર ચાલક અને ગોપી રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચના નવા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના કાર્યભાર સંભાળ્યા બાદ આ પહેલી મોટી કામગીરી છે.



