Rajkot: મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પી.કે. સિંધ દ્વારા પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરાયા
તા.૧૧/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણેની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે ચોમાસા દરમ્યાન વધતા વાહકજન્ય રોગો પર નિયંત્રણ અંગે અને સરકારશ્રીની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપતો જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો.
જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણેએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની આયુષ્માન ભારત સહિતની અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અંગે વધુમાં વધુ લોકો જાગૃત બને તે માટે સમિતિના પ્રમુખ તરીકે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી વિશેષ પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની બાહુકલ્યાણકારી યોજના આયુષ્માન ભારત અન્વયે બાકી રહી ગયેલા લોકોને આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જન પ્રતિનિધિશ્રીઓએ આગળ આવી કેમ્પ દ્વારા લોકોને જાગૃત કરવા આગ્રહ કર્યો હતો.
મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.કે. સિંધએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો અંતર્ગત ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓ અને જિલ્લા, તાલુકા ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય લક્ષી વિવિધ સમિતિઓ અંગેની માહિતી પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓને આપી હતી. આ સેમિનારમાં વાહન અકસ્માત સહાય યોજના, સગર્ભા માતાઓને સહાય, નમોશ્રી યોજના, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય પરિવાર નિયોજન, દીકરી યોજના બાળ સેવા કેન્દ્ર, અનમિયા કંટ્રોલ, કુપોષણ મુક્ત ગુજરાત, રસીકરણ સહિતની આરોગ્ય લક્ષી વિવિધ યોજનાઓ વિશે વિગતવાર ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત આયુષ્માન આરોગ્ય મંદિર, ડાયાબિટીસ, ટી.બી. જેવા રોગોનું નિદાન અને સુવ્યવહાર સારાવાર, હેલ્થ એન્ડ વેલ્થ દિવસની ઉજવણી, આરોગ્ય કેન્દ્ર ખાતે ફોગિંગ મશીન અને જરૂરી તમામ દવાઓની ઉપલબ્ધતા, બદલાતી ઋતુ દરમ્યાન આવતા દર્દીઓની સંખ્યા વિશે સંપૂર્ણ જાણકારી આપી હતી.મચ્છર, પાણી જન્ય અને વાહક જન્ય રોગો અંગે વિડીયો નિદર્શન દ્વારા સાવચેતી અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ બેઠકમાં વિવિધ તાલુકાઓના પદાધિકારીશ્રીઓ, એપિડેમિક મેડિકલ ઓફિસર શ્રી ડો. અસ્થાના, ડો. મહેતા, ડિસ્ટ્રીક મલેરિયા ઓફિસરશ્રી ડો. જી.પી.ઉપાધ્યાય, આર.સી.એચ.ઓ.શ્રી ડો.પોપટ, એન.સી.ડી. પ્રોજેક્ટ ઓફિસર શ્રી ઝલક માતરીયા, પબ્લિક હેલ્થ નર્સિંગ ઓફિસર શ્રી રીટાબેન ચૌહાણ, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એન્ડ એજ્યુકેશન ઓફિસર શ્રી સી.ડી.ભોજાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.