
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં ડામર રોડ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો : મોટી મોયડીથી લીંભોઈ વચ્ચે ના રોડનો વીડિયો વાયરલ, તંત્રની ઊંઘ ઉડી..?
મેઘરજ તાલુકામાં ચાલી રહેલા ડામર રોડના કામોને લઈ ભારે વિવાદ ઊભો થયો છે. મોટી મોયડીથી લીંભોઈ સુધીના નવા બનતા રોડમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જાગૃત નાગરિકોએ કામની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા છે
અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગના વિકાસ કામોમાં લાખો થી કરોડો રૂપિયાના ખર્ચ છતાં કાગળ પર દેખાતી કામગીરી અને જમીન પરની હકીકત વચ્ચે મોટો તફાવત હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલે છે. મેઘરજ તાલુકામાં પણ અનેક ડામર રોડના કામો મંજૂર થયા છે, પરંતુ કેટલાક રસ્તા માત્ર એક-બે દિવસમાં જ “પૂર્ણ” થઈ જતા હોવાથી કામની ગુણવત્તા અંગે શંકાઓ ઊભી થઈ છે.
વાયરલ થયેલા વીડિયોમાં નાગરિક જણાવી રહ્યા છે કે મોટી મોયડીથી લીંભોઈનો રોડ લગભગ 12 વર્ષ બાદ નવો બની રહ્યો છે, પરંતુ તેમાં લાલીયાવાડી અને ગડબડીઓ થતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રસ્તામાં યોગ્ય સ્તર, મેટલ અને ડામરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને માત્ર ઉપર ઉપરથી કામ કરી નાખવામાં આવશે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.વિડિયો વાયરલ થતા જ તંત્ર સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. “લાખો રૂપિયાના કામો માત્ર દેખાવ પૂરતા થઈ રહ્યા છે અને રસ્તા રાતોરાત બની જાય છે, પરંતુ એ કેટલા ટકાઉ છે તે કોણ તપાસે…?” એવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર માત્ર ઝડપથી કામ પૂરા કરવાની દોડમાં રહેશે કે પછી રોડની ગુણવત્તા, પારદર્શકતા અને જાહેર નાણાંની જવાબદારીને પણ મહત્વ આપશે? નાગરિકો દ્વારા ઉઠાવાયેલા આક્ષેપોની યોગ્ય તપાસ થશે કે નહીં એ સમય જ બતાવશે.





