
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકા પંચાયત ખાતે મનરેગામાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતા પરિમલ સોલંકી દ્વારા પૈસાની ઉઘરાણી તથા ખોટી ખોટી માંગણી કરીને ગેરરીતી આચરવામાં આવી રહી હોય તેવા આક્ષેપો સાથે મનરેગાનાં જ કર્મચારીઓએ કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ હોદ્દેદારોને લેખિતમાં ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમજ મનરેગાના કર્મચારીઓનું હિત ન જોખમાય તે રીતે પ્રોગ્રામ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકા પંચાયત ખાતે મનરેગામાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર પરિમલ સોલંકી સામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે.જેમાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર પરિમલ સોલંકી દ્વારા મનરેગાનાં કર્મચારીઓ પર ખૂબ જ જોહુકુમી ચલાવી રહ્યા હોય અને ખૂબ જ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે. તેમજ કર્મચારીઓને માનસિક ત્રાસ આપીને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે.આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર પરિમલ સોલંકી દ્વારા મનરેગાનાં કર્મચારીઓ પાસે ગ્રામ પંચાયત કક્ષાએથી વારંવાર પૈસાની ઉઘરાણી માટે ખોટી ખોટી માંગણીઓ કરવામાં આવતી હોય છે.અને જો તેમને પૈસા ન આપવામાં આવે તો અપશબ્દ બોલીને કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખવાની ધમકીઓ આપતા હોય છે.તેમજ પ્રોગ્રામ ઓફિસર તરીકે પરિમલ સોલંકીનાં આવ્યા બાદ વઘઈ તાલુકાનું પ્રદર્શન પણ ખૂબ જ નબળું થઈ ગયું છે. નાણાકીય વર્ષ 2024-25 પહેલાના વઘઈ તાલુકા નું પ્રદર્શન સુબીર તાલુકાના પ્રદર્શન કરતા સારું હતુ.પરંતુ પરિમલ સોલંકીના આવ્યા પછી વઘઈ તાલુકા નું પ્રદર્શન ખૂબ જ નબળું થયેલ છે જે ઓનલાઇન રિપોર્ટમાં નજરે દેખાઈ આવે છે.તાજેતરમાં જ આ પ્રોગ્રામ ઓફિસર પરિમલ સોલંકીએ દરેક કર્મચારી પાસેથી બહુ મોટી રકમ ઉઘરાવી છે. અને કર્મચારીઓની સાથે સાથે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ પણ આ રીતે જ તેમનાથી ત્રાહિત છે.આ વ્યક્તિએ અગાઉ અલગ અલગ સરકારી વિભાગોમાં પણ આવી જ રીતે ડખા ઉત્પન્ન કરીને જે તે યોજનાની અમલવારીને અવરોધ ઊભો કર્યો છે. જેથી તેમને જે તે જગ્યાએથી નોકરીમાંથી બરતરફ પણ કરવામાં આવેલ છે. ત્યારે આ પરિમલ સોલંકી સાથે નોકરી કરનાર સાથી કર્મચારીઓ અને મનરેગાનું હિત જોખમાય એમ છે. આવા અનેક આક્ષેપો વઘઈ મનરેગાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે આખરે કંટાળીને મનરેગાના કર્મચારીઓએ વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ, ગુજરાત વિધાનસભાનાં ઉપદંડક અને ધારાસભ્ય વિજય પટેલ, ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક, જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું હતુ. અને આસિસ્ટન્ટ પ્રોગ્રામર ઓફિસર પરિમલ સોલંકી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મનરેગાનાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.આ બાબતે વઘઇ તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી એમ.જી.પટેલને પૂછતા તેઓએ જણાવ્યુ હતુ મનરેગાનાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર વિરુદ્ધ મનરેગાનાં જ કર્મચારીઓએ ફરીયાદ કરી છે.જે અરજી મારી પાસે આવી છે.અને જે સંદર્ભે મે તપાસનાં આદેશો આપ્યા છે..



