
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારતના એકતાના પ્રતિક અને લોહપુરુષ તરીકે ઓળખાતા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતિ નિમિત્તે આજે વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક અગ્રણી નાગરિકો ભેગા થઈ જન્મ જયંતી ની ઉજવણી  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વાંસદા સરદાર બાગ ખાતે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને કરવામાં આવી. ત્યારબાદ સૌએ ગાંધી મેદાન સામે સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ પર ફૂલહાર ચડાવી, દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સમર્પણ માટે સરદાર સાહેબના અવિસ્મરણીય યોગદાનને યાદ કર્યુ.
ભાજપના તાલુકા પ્રમુખ, મંડળ અધ્યક્ષો તથા અનેક હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે સૌએ સંકલ્પ કર્યો કે — “સરદાર સાહેબના વિચારો અને દેશપ્રેમની પ્રેરણા યુવાનો સુધી પહોંચાડવામાં સંગઠન સદૈવ આગેવાની લેશે.”
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો એ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ એ દેશને એકતાની ડોરમાં બાંધ્યો હતો, તેમની નીતિ, અખંડ મનોબળ અને દેશપ્રેમ આજના યુગમાં પણ પ્રેરણારૂપ છે. દેશના દરેક નાગરિકે તેમના આદર્શોને જીવનમાં ઉતારી ભારતને વધુ શક્તિશાળી અને એકતાબંધ બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. કાર્યક્રમના અંતે “એકતા જ એ શક્તિ છે” એ સંદેશ સાથે રાષ્ટ્રીય એકતા દિવસની શપથ લઈ   કાર્યક્રમ પૂર્ણ થયો.
 
				






