
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ડાંગ વન વિભાગનાં આહવા પશ્ચિમ રેંજમાં લાગુ ચીકટીયા ગામમાંથી દીપડીનું બચ્ચુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.આહવા તાલુકાનાં ચીકટીયા ગામ ખાતે રહેતા ગણેશભાઈ પાંડુભાઈ ચૌધરીનાં ઘર પાસેનાં વાડામાંથી મળસ્કે કોઈક પ્રાણીનો ઘુરકવાનો અવાજ આવી રહ્યો હતો.જેથી તેઓએ વાડામાં ડોક્યુ કરતા અહી દીપડીનું બચ્ચુ જોવા મળતા આસપાસનાં લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જોકે ચીકટીયા ગામે દીપડીનું બચ્ચુ જોવા મળતા ગ્રામજનોએ તુરંત જ ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારીને જાણ કરતા તેઓએ આહવા પશ્ચિમ રેંજનાં આર.એફ.ઓ વિનયભાઈ પવારને સૂચના આપતા સ્થળ પર વનકર્મીઓની ટીમ દોડી ગઈ હતી.અને આર.એફ.ઓ વિનયભાઈ પવારની ટીમે દીપડીનાં બચ્ચાનું રેસ્ક્યુ કરી પકડી પાડી વધુ તજવીજ હાથ ધરી છે.આ દીપડીનાં બચ્ચા અંગે આહવા પશ્ચિમ રેંજના આર.એફ.ઓ વિનયભાઈ પવારે જણાવ્યુ હતુ કે આ બચ્ચાની ઉંમર અંદાજીત પાંચ મહિનાની લાગી રહી છે.આ બચ્ચુ દીપડી માતાથી વિખૂટુ પડેલ જણાય આવેલ છે.હાલમાં અમારી ટીમે સુરક્ષિત અને કાળજીપૂર્વક દીપડીનાં બચ્ચાનું રેસ્ક્યુ કરી લીધુ છે.અને આગળની તજવીજ હાથ ધરી છે.





