અમદાવાદમાં ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શનનો ભવ્ય પ્રારંભ, અંબાજીના ત્રિશૂલિયા ઘાટને મળશે નવું આધ્યાત્મિક આકર્ષણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદના વટવા વિસ્તારમાં ભવ્ય ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શનનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે આ દિવ્ય ત્રિશૂલને શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તરકાશીમાં સ્થિત 1500 વર્ષ જૂની શક્તિ પરંપરાની દિવ્ય પ્રેરણાથી તૈયાર કરાયેલ આ વિશાળ ત્રિશૂલ 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવે છે. આગામી સમયમાં આ ત્રિશૂલ અંબાજીના પ્રખ્યાત ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત કરવામાં આવશે, જે અંબાજી યાત્રાધામની આધ્યાત્મિક ભવ્યતામાં એક નવું સોપાન ઉમેરશે.
આ પ્રસંગે મિહિર પટેલે જણાવ્યું હતું કે પાલનપુર અને દાંતા માર્ગ પરથી આવતો ત્રિશૂલિયા ઘાટ પગપાળા યાત્રિકો માટે અગાઉ દુર્ગમ અને અકસ્માતપ્રવણ રહ્યો છે. આ સ્થળની પવિત્રતા અને મહત્વને વધુ ઉજાગર કરવા ઉત્તરકાશીમાં સ્થિત 1500 વર્ષથી વધુ પ્રાચીન પવિત્ર શક્તિ ત્રિશૂલની પ્રતિકૃતિ અહીં સ્થાપિત કરવાનો વિચાર રજૂ થયો હતો. આ માટે ઉત્તરકાશીના મહંતની રૂબરૂ મુલાકાત લઈ પરવાનગી મેળવવામાં આવી છે. આધ્યાત્મિક પરંપરાને જાળવતા ઉત્તરકાશીના 18 ફૂટના ત્રિશૂલની સામે અંબાજીમાં 16 ફૂટનું ત્રિશૂલ સ્થાપિત કરવામાં આવશે, જે શક્તિ ઉપાસકો માટે આસ્થાનું નવું કેન્દ્ર બનશે.
તેમણે જય ભોલે ગ્રુપની નિસ્વાર્થ સેવા અને ભાવનાત્મક જોડાણને બિરદાવતાં જણાવ્યું હતું કે આ ગ્રુપ અંબાજી ટ્રસ્ટ સાથે લાંબા સમયથી સંકળાયેલું છે. અંબાજી મંદિરમાં વડાપ્રધાનના હસ્તે પ્રસ્થાપિત વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રનું નિર્માણ પણ આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. માતાજીના શૃંગાર સહિત વિવિધ સેવાકીય કાર્યોમાં ગ્રુપનો સહયોગ મહત્વપૂર્ણ રહ્યો છે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ટેકનોલોજી અને વ્યસ્ત જીવનશૈલીના સમયમાં અંબાજીના ગૌરવશાળી ઇતિહાસ અને મહિષાસુર મર્દિનીની કથાને લોકો સુધી પહોંચાડવામાં આ પ્રકલ્પ મહત્વપૂર્ણ સાબિત થશે. ત્રિશૂલિયા ઘાટ પર આ દિવ્ય ત્રિશૂલની સ્થાપનાથી જ્યાં અગાઉ અકસ્માત ઝોન તરીકે ઓળખ હતી, તે સ્થળ હવે પવિત્ર દર્શન સ્થળ તરીકે વિકસશે અને ધાર્મિક જાગૃતિમાં વધારો થશે.
જય ભોલે ગ્રુપના દીપેશભાઈ પટેલે ત્રિશૂલના પૌરાણિક મહત્વ વિશે જણાવ્યું હતું કે આ ત્રિશૂલ ઉત્તરકાશીમાં સ્થિત માતા જગદંબા દ્વારા સ્વયં સ્થાપિત કરાયેલા પ્રાચીન શક્તિ ત્રિશૂલની પ્રથમ પ્રતિકૃતિ છે. પુરાણો મુજબ ભગવાન શિવ દ્વારા અર્પિત આ શક્તિશૂલથી મહિષાસુરનો સંહાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ઉત્તરકાશીમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ પરંપરાને જીવંત રાખવા અને અંબાજીના ત્રિશૂલિયા ઘાટને વધુ દિવ્ય બનાવવા માટે આ ત્રિશૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના વટવા સ્થિત અમદાવાદ એન્જિનિયર્સ ખાતે આ દિવ્ય ત્રિશૂલના દર્શન 18 થી 21 જાન્યુઆરી દરમિયાન દરરોજ બપોરે 3 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યારબાદ વિધિવત ધાર્મિક વિધિઓ સાથે આ ત્રિશૂલ અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન કાશી વિશ્વનાથ મંદિર, મહિષાસુર મર્દિની દ્વારા મહિષાસુર વધ, મૈસૂર, અંબાજી શક્તિપીઠ અને ત્રિશૂલિયા ઘાટ સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ તથા શક્તિના પ્રતીકો દર્શાવતી ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શન પ્રારંભ પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી, જય ભોલે ગ્રુપના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ અંબાજી યાત્રાધામને નવી આધ્યાત્મિક ઓળખ આપતી એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.











